ધોળા દિવસે નદીના પટમાં આરામ ફરમાવતો સિંહ દેખાતા વાડી માલિકોમાં ફફડાટ; સ્થાનિકોએ મોબાઈલ માં તસવીરો કેદ કરી
ઉના તાલુકામાં સિંહોની માનવ વસાહત અને વાડી વિસ્તારો તરફ વધતી અવરજવર વચ્ચે નાંદરખ અને નેસડા ગામ નજીકથી વધુ એક સિંહ જોવા મળ્યાની ઘટના સામે આવી છે. બંને ગામની વચ્ચે આવેલા વાડી વિસ્તાર નજીકથી પસાર થતી માલણ નદીના પટમાં ધોળા દિવસે એક સિંહ લટાર મારતો જોવા મળ્યો હતો. ત્યારબાદ સિંહ નદીના પટમાં જ શાંતિથી આરામ કરતો નજરે પડ્યો હતો.
માલણ નદીના પટમાં દિવસ દરમિયાન ખુલ્લેઆમ સિંહ જોવા મળતાં આસપાસના વાડી માલિકો અને ખેડૂતો માં ફફડાટ ફેલાયો હતો. સિંહની હાજરીની જાણ થતાં સ્થાનિકો પણ સાવચેત બન્યા હતા. જોકે, સિંહે કોઈ પ્રકારની આક્રમકતા દર્શાવી ન હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, નાંદરખ અને નેસડા ગામ વચ્ચેના વાડી વિસ્તારમાંથી પસાર થતી માલણ નદીના પટમાં એક સિંહ જોવા મળ્યો હતો. શરૂઆતમાં સિંહ નદીના પટમાં લટાર મારતો જોવા મળ્યો હતો. થોડા સમય બાદ તે નદીના પટમાં જ એક સ્થળે બેસી ગયો હતો અને જાણે પોતાના વિસ્તારમાં નિશ્ચિંત થઈને આરામ ફરમાવતો હોય તેમ લાંબા સમય સુધી ત્યાં જ જોવા મળ્યો હતો.ધોળા દિવસે સિંહને આ રીતે ખુલ્લા વિસ્તારમાં આરામ કરતા જોઈને આસપાસના લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકોએ સુરક્ષિત અંતર જાળવીને મોબાઈલ ફોનમાં સિંહની તસવીરો અને વીડિયો પણ કેદ કર્યા હતા.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, નાંદરખ, નેસડા અને આસપાસના સીમ વિસ્તારમાં સિંહોની અવરજવર નવી બાબત નથી. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં અવારનવાર સિંહ અને સિંહણ જોવા મળતા રહે છે. વાડી વિસ્તારોમાં સિંહોની સતત હાજરીને કારણે ખેડૂતો અને માલધારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.ખાસ કરીને વહેલી સવારે તથા સાંજના સમયે ખેડૂતોને વાડી વિસ્તારમાં જવા માટે સાવચેતી રાખવી પડે છે. ખેતરમાં કામ કરતા ખેડૂતો, પશુપાલકો તેમજ માલધારીઓ માટે સિંહોની હાજરી એક મોટો પડકાર બની રહી છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે માલણ નદીનો પટ, આસપાસના ઝાડી-જંગલ વિસ્તાર અને વાડીઓ સિંહોને અનુકૂળ વાતાવરણ મળી રહ્યું હોવાથી સિંહો ની અવરજવર અહીં સતત વધી રહી છે. જેના કારણે અગાઉ માત્ર રાત્રિના સમયે જોવા મળતા સિંહો હવે દિવસ દરમિયાન પણ માનવ વસાહત નજીક નજરે પડવા લાગ્યા છે.