ધર્મકુળ પરિવાર તથા સંતો-સાંખ્યયોગી બહેનોની પાવન ઉપસ્થિતિમાં ત્રણ દિવસ સુધી કથામૃતનું રસપાન કરાવાશે
ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની કૃપાથી તથા વડતાલ પીઠાધિપતિ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ તેમજ ગાદીવાળા માતુશ્રીની આજ્ઞાથી સાવરકુંડલા શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શિવાજીનગર સ્થિત પટેલ જ્ઞાતિ વાડી ખાતે યોજાનાર આ ધાર્મિક મહોત્સવમાં ગઢપુર મંદિરના કો.શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી તથા સ્વામી છપૈયાપ્રકાશદાસજી કથાકાર તરીકે બિરાજી સંગીતની સુરાવલી સાથે શ્રદ્ધાળુઓને શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધના કથામૃતનું રસપાન કરાવશે.કાર્યક્રમનો પ્રારંભ તા. 8 સપ્ટેમ્બરના રોજ સવારે 8:30 કલાકે પોથીયાત્રા સાથે થશે, જે શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિરથી પટેલ જ્ઞાતિ વાડી સુધી યોજાશે. ત્યારબાદ સવારે 11:30 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
ત્રણ દિવસ દરમિયાન દરરોજ સવારે 9થી 12 અને બપોરે 3થી 6 કલાકે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 10 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 કલાકે કથા પૂર્ણાહુતિ થશે.આ પાવન અવસરે તા. 9 સપ્ટેમ્બરના રોજ સવારે 10 કલાકે પ.પૂ. 108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનું ધર્મકુળ આગમન થશે. તેમના પાવન દર્શન અને આશીર્વાદનો લાભ સત્સંગીજનોને પ્રાપ્ત થશે. આ ઉપરાંત ગઢપુર, વડતાલ, જૂનાગઢ સહિતના વિવિધ ધામોમાંથી વંદનીય સંતો તથા સાંખ્યયોગી બહેનો પણ પધારશે.મહોત્સવ દરમિયાન દીપ પ્રાગટ્ય સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. સમગ્ર કાર્યક્રમને લઈને સાવરકુંડલા શહેરના સત્સંગ સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર સત્સંગ સમાજ દ્વારા સર્વે ભાવિક ભક્તો, સત્સંગીજનો તથા મિત્રમંડળને સહકુટુંબ-સપરિવાર આ પાવન ધાર્મિક મહોત્સવમાં ઉપસ્થિત રહી કથાશ્રવણ, ધર્મકુળ દર્શન અને સંતોના આશીર્વાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.