રાજુલા તાલુકાના કોવાયા ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ પ્લાન્ટ સંકુલમાં આવેલ ભવ્ય શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે મંદિર સમિતિ દ્વારા લક્ષ્મી નારાયણ ના મંદિર ના પટાંગણમાં જન્માષ્ટમી મહોત્સવ અને હવન, મટકી ફોડ કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
અહીં પ્લાન્ટના મુખ્ય ગેટની બાજુમાં જ 25 ફૂટથી પણ ઊંચું ભવ્ય અને કલાત્મક લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના આજથી 25 વર્ષ પહેલા બંગાળના પ્રખ્યાત તેમજ સોમપુરા કારીગરો દ્વારા કરવામાં આવી હતી. તે સમયે આ સમગ્ર વિસ્તારમાં ભગવાન લક્ષ્મીનારાયણનું આ પ્રથમ મંદિર હોવાથી કોવાયા સહિત આજુબાજુના રાજુલા, જાફરાબાદ તાલુકાના અનેક ગામોના લોકોને દર્શનનો લાભ મળ્યો હતો. આજે પણ આ મંદિર સૌરાષ્ટ્રના સૌથી મોટા અને સુંદર મંદિરોમાંનું એક ગણાય છે.
પૂજા-અર્ચના માટે ત્રણ પૂજારીઓ – વિજય મહેતા, સંતોષ શાસ્ત્રી પૂજારી અને શાસ્ત્રી ભાવેશ પૂજારી શાસ્ત્રી દ્વારા સેવા આપવામાં આવે છે. દર વર્ષે મંદિરના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે દ્વારકા અને આંધ્રપ્રદેશથી ખાસ શાસ્ત્રીઓને બોલાવીને ભવ્ય હવન-યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, તેમજ દિવાળી, નવરાત્રી, જન્માષ્ટમી જેવા તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.
સાતમ-આઠમ નિમિત્તે અલ્ટ્રાટેક મંદિર સમિતિ દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ લાભ લીધો હતો. રાત્રિના સમયે “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી” ના ગીતો અને ભજનો સાથે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. કર્મચારીઓના બાળકો દ્વારા ખૂબ જ સુંદર ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં નાના ભૂલકાઓ કાનુડા બનીને આવ્યા હતા અને વાસુદેવજી શ્રીકૃષ્ણને સૂપડામાં નાગની ફેણ નીચે લઈને જતા હોય અને હાથમાં લોખંડની સાંકળો બાંધેલી હોય તેવું જીવંત ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આખું મંદિર કલાત્મક લાઇટિંગ, ફૂલો અને રંગબેરંગી ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અલ્ટ્રાટેક કંપનીના યુનિટ હેડ શ્રી સંભવ શ્રીવાસ્તવ, એફ.એચ – એચ.આર શ્રી અજય વૈશમ્પાયન, એડમીન હેડ રીતાબેન ચૌધરા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સમિતિના ઉપપ્રમુખ દિનકર દશોરા, જનરલ સેક્રેટરી સંજય દાનાયક, જોઈન્ટ સેક્રેટરી તુષાર ગજેરા અને ટ્રેઝરી યજ્ઞેશ વાગડિયા સહિતના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.