Jai Hind

ખંભાળિયાના વાડીનાર નજીક વાહનની ઠોકરે યુવાનનું મોત

પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી

ખંભાળિયા વાડીનાર નજીક અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત નીપજ્યું છે. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા હુસેન જુનસભાઈ ગંઢાર નામના 19 વર્ષના મુસ્લિમ યુવાન ગત તારીખ 4 ના રોજ સાંજના સમયે વાડીનાર નજીક આવેલા આઈ.ઓ.સી.એલ. કંપની નજીકથી પોતાના જી.જે. 37 આર. 7970 નંબરના મોટર સાયકલ પર બેસીને નરારા બેટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા કોઈ અજાણ્યા વાહનના ચાલકે હુશેનભાઈ ગંઢારના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા તેમને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ અકસ્માત અંગે મૃતકના પિતરાઈ ભાઈ કાસમભાઈ ઉમરભાઈ ગંઢારની ફરિયાદ પરથી વાડીનાર મરીન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. સી.આર. રાણાએ હાથ ધરી છે.
હાર્ટએટેકથી વૃદ્ધનું મોત
ભાણવડ તાબેના કાટકોલા ગામે રહેતા ઉકાભાઈ બધાભાઇ વડાણીયા નામના 70 વર્ષના વૃદ્ધને તેમની વાડીએ હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પુત્ર કારૂભાઈ ઉકાભાઈ વડાણીયાએ ભાણવડ પોલીસને કરી છે.