Jai Hind

જૂનાગઢમાં કારખાનેદાર સાથે રૂ. 4.41 લાખની છેતરપિંડી

ઉઘરાણી કરતા ધમકી

જુનાગઢના કારખાનેદાર સાથે ચોટીલાના વેપારીએ સંબંધ કેળવીને વિશ્વાસ જીત્યા બાદ રૂ. 4.41 લાખનો માલ ખરીદી, તે રૂપિયાની ઉઘરાણી કરતા, ચોટીલાના વેપારીએ જાનથી મારવાની અપાય ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢના દોલતપરા સ્થિત કિશાન ઇન્ડસ્ટ્રીઝના માલિક પરેશભાઇ ભાખર સાથે રૂ. 4,41,181 ની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ચોટીલાની બજરંગ પ્લાસ્ટીકના મનછારામ દેવમોરારી અને નિરવ દેવમોરારીએ અગાઉ સમયસર નાણાં ચૂકવી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ આરોપીઓએ રૂ. 4.41 લાખના પ્લાસ્ટિકના ધોરીયા પાઇપ ખરીદ્યા હતા. લાંબો સમય થવા છતાં નાણાં ન ચૂકવતા અને વારંવાર વાયદા કરતા વેપારીએ ઉઘરાણી કરી હતી. આથી આરોપીઓએ નાણાં આપવાની ના પાડી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે જૂનાગઢના કારખાનેદાર પરેશભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા, જુનાગઢ એ ડીવીઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.