અમરેલી ખીજડીયા ટ્રેકનું ટેસ્ટિંગ થયા પછી પાછા પાટા કાઢી નાંખ્યા, હવે ફરી જમીન સંપાદનની જાહેરાત
અમરેલી શહેર માટે બ્રોડગેજ રેલવે એક સ્વપનું જ બની રહેશે? અગાઉ અમરેલી-ખીજડિયા વચ્ચે બ્રોડગેજ રેલવે લાઇનના પાટા નાંખી અને તેના ઉપર ટ્રેન દોડાવી અને સફળ ટેસ્ટિંગની કામગીરી થઈ ગયા બાદ હવે કેટલાક સ્થળે પાટા કાઢી નાખવામાં આવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે હવે ફરી જમીન સંપાદન માટે બે અલગ અલગ જાહેરાતો પ્રસિદ્ધ થતાં બ્રોડગેજ કામગીરીની આયોજન પ્રક્રિયા સામે પ્રશ્નો ઊભા થયા છે. લાંબા સમયથી જમીન સંપાદનની પ્રક્રિયા ચાલતી હોવા છતાં ટેસ્ટિંગ બાદ ફરી જમીનની જરૂરિયાત ઊભી થવી અને તેના માટે નવેસરથી જાહેર નામાં બહાર પાડવામાં આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
અમરેલી-ખીજડિયા વચ્ચે બ્રોડગેજ રૂપાંતરની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે. તાજેતરમાં નવી નાખવામાં આવેલી રેલવે લાઇન પર એન્જિન દ્વારા ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ બાદ રેલવે સેવા શરૂ થવાની આશા વચ્ચે અચાનક કેટલાક સ્થળે પાટા કાઢી નાખવામાં આવ્યા હતા. હવે ગત તા. 25 ઓગસ્ટ, 26ના રોજ જમીન સંપાદનને લગતી બે અલગ જાહેરાતો પ્રસિદ્ધ થતાં બ્રોડગેજ કામગીરીમાં ફરી એક વખત જમીનનો પ્રશ્ન સામે આવ્યો છે.
જાહેરાતોમાં દર્શાવાયેલી જમીન સંપાદનની કાર્યવાહી અગાઉની પ્રક્રિયાઓના અનુસંધાનમાં હોવાનું પણ સામે આવ્યું છે. એટલે જમીન સંપાદનનો પ્રશ્ન નવી રીતે ઊભો થયો છે કે અગાઉની કાર્યવાહી અધૂરી રહી હતી અથવા હવે બ્રોડગેજ લાઇન અને તેને સંલગ્ન માળખાકીય કામગીરી માટે વધારાની કે અલગ જમીનની જરૂરિયાત ઊભી થઈ છે, તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે.
અગાઉ પણ આ જ વિસ્તારમાં જમીન સંપાદન માટેની કાર્યવાહી અને જાહેરાતો પ્રસિદ્ધ થઈ ચૂકી છે. જમીન સંપાદનની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં પહેલા રેલવે ટ્રેક તૈયાર કરવામાં આવ્યો, તેના પર ટેસ્ટિંગ પણ થયું અને ત્યારબાદ પાટા કાઢી નાખવાની સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. હવે ફરી બે જમીન સંપાદનની જાહેરાતો બહાર આવતાં સમગ્ર આયોજન અને કામગીરીના ક્રમ સામે સવાલો ઊભા થયા છે.
માર્ચમાં ટ્રેક પર એન્જિન ચલાવી ટ્રાયલ પણ થઈ ગયું હતું
મહત્વની બાબત એ છે કે રેલવે મંત્રાલયની જુલાઈ, 2026ની સત્તાવાર માહિતીમાં રૂ.178 કરોડના અંદાજિત ખર્ચવાળી 17 કિલોમીટર ખીજડિયા-અમરેલી ગેજ ક્ધવર્ઝન યોજના હજુ ચાલુ પ્રોજેક્ટ તરીકે દર્શાવવામાં આવી છે. બીજી તરફ માર્ચના અંતમાં આ રૂટ પર એન્જિન ટ્રાયલ કરવામાં આવ્યું હોવાનું જાહેર થયું હતું.
વર્ષોથી બ્રોડગેજની રાહ જોતા અમરેલીના લોકોની પરીક્ષા
અમરેલીવાસીઓ લાંબા સમયથી બ્રોડગેજ રેલવે સુવિધાની રાહ જોઈ રહ્યા છે ત્યારે ટેસ્ટિંગ બાદ ટ્રેન સેવા શરૂ થવાની અપેક્ષા હતી. પરંતુ પાટા કાઢી નાખવાની સ્થિતિ અને હવે જમીન સંપાદન માટે ફરી જાહેરનામાં પ્રસિદ્ધ થતાં બ્રોડગેજ કામગીરી ક્યારે સંપૂર્ણ રીતે આગળ વધશે અને નિયમિત ટ્રેન વ્યવહાર ક્યારે શરૂ થશે તે અંગે ફરી અનિશ્ચિતતા સર્જાઈ છે.
અમરેલીના લોકોને બ્રોડગેજ રેલવે લાઈન તો ના મળી પણ મીટર ગેજ ટ્રેન પણ ખોઈ
અમરેલીમાં વર્ષોથી વેરાવળ અને જૂનાગઢ વચ્ચે ચાલતી મીટરગેજ લાઈન પણ બ્રોડગેજ લાઈન મેળવવાની આશામાં ખોઈ છે. અગાઉ ચાલતી મીટરગેજ લાઈન બ્રોડગેજની કામગીરીના કારણે 6 મહિના માટે બંધ કરવામા આવી હતી તે આજે બે વર્ષથી બંધ થયા બાદ હજુ સુધી શરૂ થઈ શકેલ નથી. આમ મીટરગેજ લાઈન પણ અમરેલીના લોકો ખોઈ ચુક્યા છે.