Jai Hind

કોડીનારના મૂળદ્વારકા ગામે કૃષ્ણ ભગવાન મંદિર અને દરિયાદેવના સાનિધ્યમાં મટકી ફોડ સ્પર્ધા યોજાઈ

સીમા જાગરણ મંચ સોમનાથ જિલ્લા દ્વારા ભવ્ય મટકી ઉત્સવ સ્પર્ધાનું આયોજન

કોડીનાર નજીક આવેલા મૂળદ્વારકા ગામે શ્રી કૃષ્ણ ભગવાન મંદિર અને દરિયાદેવનાસાનિધ્યમાં જન્માષ્ટમી નિમિત્તે સીમા જાગરણ મંચ સોમનાથ જિલ્લા દ્વારા ભવ્ય મટકી ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનાર આસપાસ ના ગામોના ગોવિંદાઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ચાર વર્ષથી યોજાતી આ મટકી સ્પર્ધા આ વર્ષે પણ ભારે ધામધૂમ અને ઉત્સાહ સાથે યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ્ ગાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગોવિંદાઓએ પિરામિડ રચી 20 ફૂટની ઊંચાઈએ રાખવામાં આવેલી મટકી નક્કી કરેલા સમયગાળામાં ફોડવા માટે હરીફાઈ કરી હતી. આ અનોખી સ્પર્ધા નિહાળવા માટે વેરાવળથી ઊના-દીવ સુધીના સીમા જાગરણ મંચના આગેવાનો, સાગરપુત્રો તેમજ કોડીનાર તાલુકાના વિવિધ ગામોમાંથી સ્વયંસેવકો, બહેનો અને બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક ભાવના સાથે યુવાનોમાં રાષ્ટ્રભાવના અને સામાજિક એકતાનો સંદેશ આપતી આ સ્પર્ધા સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી આ સ્પર્ધામાં ચૌહાણની ખાણ ગામના ગોવિંદાઓએ માત્ર 18 સેક્ધડમાં મટકી ફોડી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વિજેતા ટીમને ટ્રોફી સાથે રૂ. 51 હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. જ્યારે દામલી ગામની ટીમે 20 સેક્ધડમાં મટકી ફોડી દ્વિતીય સ્થાન મેળવી રૂ. 21 હજાર અને ટ્રોફી મેળવી હતી. મઠ ગામની ટીમે 20.83 સેક્ધડમાં મટકી ફોડી તૃતીય સ્થાન મેળવ્યું હતું અને રૂ. 11 હજારના રોકડ ઈનામ સાથે ટ્રોફી પ્રાપ્ત કરી હતી સીમા જાગરણ મંચ સોમનાથ જિલ્લાના સંયોજક જિગ્નેશભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂળ દ્વારકા અને મઠ ગામના તમામ સમાજના આગેવાનો, સમાજના પટેલ તથા યુવાનોના સહયોગ અને ઉત્સાહથી કાર્યક્રમમાં એકાત્મકતા, સમરસતા અને સદભાવનાનું વાતાવરણ જોવા મળ્યું હતું સીમા જાગરણ મંચ દ્વારા સીમા જાગૃતિ સાથે રાષ્ટ્રભાવના પ્રબળ બને તેવા વિવિધ કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે. મૂળ દ્વારકાનો આ મટકી ઉત્સવ પણ ધાર્મિકતા સાથે રાષ્ટ્રભાવના અને સામાજિક એકતાનો સંદેશ આપતો અનોખો કાર્યક્રમ બની રહ્યો છે.