અવારનવાર બન્ને વચ્ચે ઝગડા થતા હતા: છેલ્લે ઘોકા અને છરી વડે હુમલો કર્યો હતો
ત્રણેક વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના સોનગઢ ગામે થયેલી આધેડની હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપી સામે ભાવનગરની ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે આરોપી સામે હત્યાનો ગુનો સાબીત માની આરોપીને આજીવન કેદની સજા અદાલતે ફટકારી હતી.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ આ કામના આરોપી યુનુશભાઈ ઓસમાણભાઈ શેખ ઉ.વ.27, રહે. બોરડી તા.ધારી, જી.અમરેલી વાળા એ આ કામે મરણજનાર રઘુભાઈ અરજણભાઈ ચૌહાણ સાથે અવાર નવાર માથાકુટ ઝઘડો થતો હોય અને આરોપી સારી ગાડીઓ રાખે તેની અદેખાઈ રાખી તેની સાથે રાગદ્વેષ રાખતા હોય જેથી આ કામના આરોપીએ આ કામે મરણ જનાર રઘુભાઈની હત્યા કરવાનું નક્કી કરી જેતપુર ખાતે તેના મિત્ર (કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર) ને વાત કરી અગાઉથી હત્યા કરવાની તૈયારી સાથે ગત તા. 30/09/2023 ના રાત્રીના આશરે સાડા આઠેક વાગે ગુરૂકુળ સોનગઢ ખાતે આવી મરણ જનાર રઘુભાઈ નોકરી ઉપર હોય ત્યારે પ્લાસ્ટીકના પાવડાના હાથા જેવા ધોકા વડે પાછળથી આવી માથામાં ઘોકો મારી બાદ લાકડાના હાથા તથા મ્યાન વાળી છરીથી મરણજનાર રઘુભાઈને પાછળના ભાગેથી જ માથાના પાછળના ભાગે એક ઘા તથા માથામાં વચ્ચેના ભાગે એક ઘા છરી થી મારી તેમજ છરીનો એક ઘા છાતીમાં ડાબી બાજુ મારી બાદ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ આ કામમાં મદદગારી કરી હતી તેમજ આ કામના મુખ્ય આરોપી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે જેતપુર ખાતે જઈ તેમણે પહેરેલ કપડા તથા હાથના મોજા એક પ્લાસ્ટીકની થેલીમાં ભરી મોટર સાયકલ લઈ ખીરસરા ગામના રસ્તે નદીના પુલ ઉપરથી નીચે ફેકી દઈ પુરાવાનો નાશ કરી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ગુન્હામાં એખબીજાની મદદગારી કરી ફરીયાદીના ભાઈની હત્યા કરી ગંભીર અમાનવીય ગુન્હાહીત પુર્વઆયોજીત કાવતરાને અંજામ આપ્યો હતો.
આ બનાવ અંગે મરણજનાર ના ભાઈ દેવાયતભાઈ અરજણભાઈ ચૌહાણ રહે. સોનગઢ વાળાએ આ બનાવ અંગે સોનગઢ પોલીસ સ્ટેશનમાં તા. 29/12/2023 ના રોજ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી યુનુશ ઓસમાણભાઈ શેખ સામે ગુનો નોંધાયો હતો અને આરોપીને ઝડપી લીધો હતો.
આ અંગેનો કેસ ભાવનગરના મહે. પ્રિન્સીપાલ સેસન્સ જજ આર.વી.બુખારી ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ મનોજભાઈ જોષી ની અસરકારક દલીલો, 17 મૌખીક પુરાવાઓ અને રજુ કરેલ 41 દસ્તાવેજી પુરાવાઓ તેમજ મુળ ફરીયાદ પક્ષે વિધપ્રોસીક્યુશન એડવોકેટ આશીત ભટ્ટ રોકાયા હતા તેમણે પણ લેખીત દલીલો રજુ કરી હતી વિગેરે ધ્યાને લઈ આરોપી સામે ગુનો સાબીત માની આરોપીને તકસીરવાન ઠરાવી આઈ.પી.સી. કલમ 302, 120(બી), 34 અન્વયે આજીવન કેદની સજા અને રૂા. 5000 નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સજા તથા આઈ.પી.સી. કલમ 201 અન્વયે ત્રણ વર્ષની સજા તથા રૂા. 3000 નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ અદાલતે કર્યો હતો.