Jai Hind

ઓનલાઈન ટીચરની જોબના નામે ખંભાળીયાની યુવતી સાથે 56 હજારનું ફ્રોડ

સાયબર ગઠીયાઓ એક યા બીજા પ્રકારે લોકોને છેતરી રહ્યા છે. ત્યારે ખંભાળીયાની યુવતીને ઓનલાઈન ટીચરની જાહેબની ઓફર આપી 56 હજારનું ફ્રોડ કર્યાનું સામે આવ્યું છે. જયારે ઓખાના યુવાન સાથે રૂ. 1.85 લાખની ચિટીંગ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે રહેતા અંજલીબેન વિનયભાઈ ચોકસી નામની 23 વર્ષની યુવતીને કોઈ અજાણ્યા શખ્સએ ચોક્કસ મોબાઈલ નંબર પરથી તેણીના મોબાઈલ પર ફોન કરીને એક કંપનીના એચ.આર. ડિપાર્ટમેન્ટ માંથી પોતે બોલી રહ્યા હોવાની ઓળખ આપી હતી.
આ પછી ઉપરોક્ત મોબાઈલ નંબર ધારકે અંજલિબેનને સાદા ફોન તેમજ વોટ્સએપ કોલથી વાત કરી અને તેણીને ઓનલાઈન ટીચિંગ જોબ માટેની ઓફર કરી હતી. આ માટે આરોપી ગઠિયાએ તેણી પાસે રજીસ્ટ્રેશન, લેપટોપ અને કંપની સિસ્ટમ, લેપટોપ, લેપટોપના ઇન્સ્યોરન્સ વિગેરેના નામે અલગ અલગ રકમનું યુ.પી.આઈ. મારફતે ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાવ્યું હતું.
આ રીતે આરોપી શખ્સએ ભોગ બનનાર સાથે કુલ રૂ. 56,649 નું ઓનલાઇન ફ્રોડ કર્યું હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે ખંભાળિયા પોલીસે અંજલીબેન ચોકસીની ફરિયાદ પરથી અજાણ્યા ઈસમ સામે બી.એન.એસ. તેમજ આઈ.ટી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ સાયબર સેલ વિભાગના પી.આઈ. ઋષિતસિંહ રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ઓખાના બર્માશલ ક્વાર્ટર વિસ્તારમાં મફતિયા પ્લોટ ખાતે રહેતા અનવરભાઈ ઈશાભાઈ ચાવડા ગામના 27 વર્ષના મુસ્લિમ યુવાને પોતાના પિતાના સેવિંગ એકાઉન્ટથી ફોન-પે યુ.પી.આઈ. એક્ટિવ કરાવ્યું હતું. જેમાંથી તેમની જાણ બહાર કોઈ આસામીએ તા. 24 ઓગસ્ટના રોજ 91,000 તથા 25 ઓગસ્ટ ના રોજ રૂ. 94,000 નું ટ્રાન્જેક્શન કરી લીધું હતું.
આમ, અજાણ્યા શખ્સોએ યેનકેન પ્રકારે કુલ રૂ. 1,85,000 ની રકમ મેળવી લઈ, છેતરપિંડી કરી હોવા અંગેની ધોરણસર ફરિયાદ અનવરભાઈ ચાવડાએ ઓખા મરીન પોલીસમાં નોંધાવી છે. જે સંદર્ભે આગળની તપાસ સાયબર સેલ અસલ વિભાગના પી.આઈ. રાઠોડ દ્વારા શરૂ કરી, આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.