ચોમાસાની સિઝનમાં સાવ વરસાદ નહીં થતાં પશુપાલનના વ્યવસાય પર નભતા માલધારીઓ ઉપર મોટી આફત આવી પડી છે. એકબાજુ સીમાડામાં ઘાસ નથી, બીજી બાજુ સરકારી ઘાસ ડેપો દૂર-દૂરના વિસ્તારોમાં શરૂ થતાં ઘાસના ભાવ કરતાં વાહનોનાં ભાડાં વધી જતાં હોવાથી દુષ્કાળ ડેલીએ આવીને ઊભો રહી જતાં હવે પોતાનાં પશુધનને બચાવવા પશુપાલકોએ અન્ય જિલ્લામાંથી સુરેન્દ્રનગર જિલ્લા તરફ હિજરત શરૂ કરી છે.
છેલ્લા બે માસથી આભ સામે મીટ માંડીને વરસાદની રાહ જોનારા પશુપાલકો-ખેડૂતોની આંખો ધૂંધળી બની છે. ગામેગામ તળાવના તળ સૂકાઇ ચૂક્યા છે. 3થી 8 એમ.એમ. જેટલો વરસાદ અહીં નોંધાયો છે. આવી વિકટ સ્થિતિમાં અહીં ઊગેલું ઘાસ તણખલા સમાન છે. પીવાના પાણી તથા ઘાસચારાના આ સંકટથી પશુપાલકો-ખેડૂતો લાચાર બન્યા છે. અહીં હજારો હેક્ટરમાં ખેડૂતોએ કુપિયત ભૂતડી, એરંડા તેમજ રામમોલની વાવણી કરી હતી.
આ મોલ હવે ઓક્સિજન પર છે. અહીં ગૌવંશના ભૂખ્ય પેટના ભાંભરણાનો અવાજ દયનીય રીતે સંભળાઇ રહ્યો છે. ચામરો, મકરાઇ, ભેખડા, છેલાવાંઢના માલધારીઓ કહી રહ્યા છે કે, પશુધનને બચાવવા હિજરત કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ બચ્યો નથી. આજથી અહીંના માલધારીઓએ હિજરત શરૂ કરી દીધી હતી.
આ હિજરતમાં પોતાના બાળકો સહિત હિજરત માટે નીકળ્યા છીએ તેવું આરબ જત સહિતના પશુપાલકો જણાવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ સમયમાં હિજરત ન કરીએ તો ભૂખના કારણે ઢોર નબળા થઇ જશે અને તેઓથી આ કપરો પંથ કપાશે નહીં. હિજરતના કારણે બાળકોનું ભણતર પણ અટકશે એવી સ્થિતિ અહીં નિર્માણ પામી છે. લખપત તાલુકાની વાત કરીએ, તો આ તાલુકામાં 93 ગામ આવેલાં છે, જેમાં બરંદા, માતાના મઢ, કૈયારી, પ્રાણપર તથા દયાપર ખાતે સરકાર તરફથી ઘાસડેપો ખોલવામાં આવ્યા છે.
આ પાંચ ઘાસડેપો ઉપર અત્યાર સુધી માત્ર અંદાજે બે લાખ કિલો સૂકું ઘાસ બે રૂપિયા કિલોના ભાવે પશુપાલકોને આપવામાં આવ્યું છે. અહીં તાલુકામાં દોઢ લાખથી વધુનું પશુધન આવેલું છે. સરકારે રોજના ચાર કિલો આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ રોજની છ લાખ કિલો ઘાસની ખપત છે. તેની સામે સરકારી ઘાસ આજ દિવસ સુધી માત્ર બે લાખ કિલોનું વિતરણ રાહતભાવે કરાયું છે.
અપૂરતો ઘાસડેપો, અપૂરતા ઘાસ વિતરણથી પશુપાલકો અકળાયા છે તેવી પણ ફરિયાદો ઊઠી હતી. એક ઘાસડેપો ઉપર 20 ગામ-વાંઢનો સમાવેશ કરાયો છે તે વિતરણ વ્યવસ્થા યોગ્ય નથી. 33 ગ્રામ પંચાયત અહીં આવેલી છે. દર ગ્રામ પંચાયત દીઠ એક ઘાસડેપો અને ઘાસનો પૂરતો જથ્થો હોવો જોઇએ, એવું પશુપાલકો જણાવી રહ્યા છે. દા.ત. આશાપર ગામના પશુપાલકે ઘાસ લેવા માતાના મઢ જવું પડે છે. અપૂરતા ઘાસના કારણે તેને એક ગાંસડી રાહતભાવે મળે છે, પણ તે ઘાસની ગાંસડી મઢથી આશાપર પહોંચાડવાનું ટ્રાન્સપોર્ટિંગ ભાડું 500 રૂપિયા થાય છે. બીજું એક ગાંસડી માટે પશુપાલકનો અડધો દિવસ બગડે છે. આનો સરવાળો માંડતાં પશુપાલકને આ 80 કિલોની ગાંસડી મોંઘી પડી રહી છે.