મધ્યરાત્રીથી જ પિતૃ તર્પણનો પ્રારંભ: 108 પ્રદક્ષિણા સાથે વિવિધ ધાર્મિક વિધિમાં ભક્તો જોડાશે
સુપ્રસિદ્ધ પ્રાચી તીર્થ પિતૃ તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન જેવી ધાર્મિક વિધિઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. અમાસના પવિત્ર દિવસને લઈને પ્રાચી તીર્થ ખાતે આવતીકાલે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની સંભાવના છે. ખાસ કરીને સુવિખ્યાત મોક્ષ પીપળે પાણી રેડવા માટે વહેલી સવારથી જ ભાવિકોનો ભારે ઘસારો જોવા મળશે. પિતૃઓની આત્માની શાંતિ અને સદગતિ માટે ભાવિકો શ્રદ્ધાપૂર્વક વિવિધ ધાર્મિક વિધિઓ કરશે.
પ્રાચી તીર્થ ખાતે અમાસના દિવસે પિતૃકાર્યનું વિશેષ મહત્વ હોવાથી દૂર-દૂરના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પોતાના સ્વજનો તથા પિતૃઓના સ્મરણાર્થે અહીં પહોંચે છે. અનેક ભાવિકો દ્વારા મધરાત્રીથી જ પિતૃઓને પાણી અર્પણ કરવાની વિધિનો પ્રારંભ કરવામાં આવે છે. પવિત્ર સ્થળે સ્નાન કરી સંકલ્પ સાથે મોક્ષ પીપળાની પૂજા-અર્ચના કર્યા બાદ પાણી રેડવામાં આવે છે.
મોક્ષ પીપળે પાણી અર્પણ કર્યા બાદ ભાવિકો 108 પ્રદક્ષિણા ફરી પોતાના પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરે છે. ત્યારબાદ યથાશક્તિ દાન-દક્ષિણા અર્પણ કરી ધાર્મિક વિધિ પૂર્ણ કરવામાં આવે છે. પ્રાચી તીર્થમાં પિતૃ તર્પણ સાથે શ્રાદ્ધ, પિંડદાન સહિતની વિવિધ પૌરાણિક ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે. પ્રાચી તીર્થ ખાતે પિતૃઓની શાંતિ માટે નારાયણબલી, પ્રેતબલી, નાગબલી, ત્રિપિંડિ સહિતની શાસ્ત્રોક્ત વિધિઓ થતી હોવાનું તીર્થસ્થળની માહિતીમાં પણ જણાવાયું છે.