Jai Hind

દુષ્કાળના ભણકારા: ગૌશાળાઓમાં ઘાસચારાની અછત વર્તાઈ

વડિયાની ગોવર્ધન ગૌશાળામાં ઘાસચારો ખૂટતા શાકભાજી ખવડાવવાની નોબત આવી: સરકાર ગૌશાળા અને મુંગા પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરે તે જરૂરી

ગુજરાત રાજ્યના અનેક વિસ્તારો માં દુષ્કાળ ની સ્થિતિ નિર્માણ થતી સામે આવી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતરગુજરાત ના અમુક ભાગોમાં ઓછા અને નહિવત વરસાદના કારણે ખેડૂતો, પશુ પાલકો, ખેત મજૂરોની સ્થિતિ કપરી બનતી જાય છે. ખેતી ક્ષેત્રમાં ઉભા પાકને બચાવવાં ખેડૂતો મથી રહ્યા છે તો ઘાસચારા માટે પશુપાલકો મથી રહ્યા છે આ બધાની વચ્ચે અબોલ પશુઓની સ્થિતિ અત્યારથીજ મુશ્કેલ બનતી જોવા મળી રહી છે.
ખાસ કરીને ગૌશાળા કે જે લોકફાળાથી દાન એકત્ર કરી અને સરકારની મદદથી ચલાવવા માં આવતી હોય છે આવી ગૌશાળા માં હાલ ઘાસચારાની તંગી વર્તાઈ રહી છે. બીજી બાજુ ઘાસચારાની કિંમત એટલી વધવા પામી છેકે તે ખરીદ કરવો પોસાય તેમ ના હોવાથી હાલ અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાની ગોવર્ધન ગૌશાળામાં ગાયોને ઘસચારાની જગ્યાએ શાકભાજી ખવડાવવાની નોબત ઉભી થઇ રહી છે. દાતાઓના સહયોગ થી હાલ ઘાસચારાના અભાવે ગયોનો શાકભાજી ખવડાવવામાં આવી રહ્યું છે.
આ બાબતે ગૌશાળા સંચાલકનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતુ કે હાલ ગૌશાળાના ઘાસચારાની તીવ્ર તંગી છે. ચારાના ભાવ આસમાને પહોંચતા તેને ખરીદવો મુશ્કેલ થઇ રહ્યો છે ત્યારે આવનાર સમયમાં આ સ્થિતિ વધુ વિકટ થઇ બની શકે તેમ છે ત્યારે હિન્દૂ ધર્મમાં જેને માતાનો દરજ્જો અપાયો છે તેવી ગાય માતા માટે આ હિન્દુત્વ વાળી સરકાર દ્વારા આ અબોલ પશુઓ અને ગૌશાળાઓ માટે ખાસ ઘસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. દુષ્કાળના ઓછાયા તળે જો પંદર દિવસમાં વરસાદના થાય તો અતિ વિકટ પરિસ્થિતિ સામે આવતી જોવા મળશે અને હાલ ખેડૂતો અને પશુપાલકો માટે સૌની યોજનાથી ડેમો ભરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે જેથી ઉભો પાક બચી શકે અને ઘાસચારામાં રાહત પણ મળી શકે.