ખંભાળીયા નજીક કારની ઠોકરે બાઈક સવાર પિતા-પુત્રને ઈજા
ઓખાના દરિયામાં અકસ્માતે પડી ગયેલા માછીમારનું મોત નીપજયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે. જયારે ખંભાળીયા નજીક કારની ઠોકરે બાઈક સવાર પિતા-પુત્રનેઈજા પહોચી છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ભાયાભાઈ રામાભાઈ વંશ નામના 44 વર્ષના માછીમાર યુવાન ગઈકાલે બુધવારે ઓખાથી આશરે 21 નોટિકલ દૂર દરિયામાં ભગવત કૃપા નામની બોટમાં માછીમારી કરવા ગયા હતા. અહીં તેઓ માછીમારીની જાળ ખેંચી રહ્યા હતા, તે દરમિયાન દરિયામાં એકાએક મોજુ આવતા તેઓ અચાનક બોટ પરથી દરિયામાં પડી ગયા હતા. જેના કારણે પાણીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ઉકાભાઈ રામાભાઈ વંશએ ઓખા મરીન પોલીસને કરી છે.
પિતા-પુત્ર ઘવાયા
ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે રહેતા જેઠાભાઈ સાલાણી નામના પ્રૌઢ તેમના પુત્રને સાથે લઈને તેમના મોટરસાયકલ પર બેસીને પોતાના ઘરેથી કુવાડીયા ગામે જવા નીકળ્યા હતા. ત્યારે ખંભાળિયા – દ્વારકા માર્ગ પર આવેલી તત્વ હોટલ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 01 ડબલ્યુ.વાય. 8714 નંબરની ટાટા નેક્સોન મોટરકારના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી, જેઠાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે પિતા-પુત્રને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે જેઠાભાઈ સાલાણીના પુત્ર સાગર જેઠાભાઈ સાલાણીની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ અજાણ્યા શખ્સ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.જે. હૂણ દ્વારા હાથ ધરવામાં આવી છે.