મૃતદેહ પાણીમાં તરતો દેખાતા ખેડૂતોએ વન વિભાગને જાણ કરી
તાલાલા-સાસણ રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ સામે આવેલ હિરણ નદીના ચેકડેમમાંથી પુખ્ત વયના મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની વિગત પ્રમાણે તાલાલાનાં માર્કેટીંગ યાર્ડ સામેથી પસાર થતી હિરણ નદીના ચેકડેમ નાં પાણીમાં મગરનો મૃતદેહ તરતો હોવાનું ચેકડેમ ઉપરથી પસાર થતા ખેડૂતોની નજરે પડતાં ખેડૂતોએ તુરંત વનવિભાગને જાણ કરી હતી.તાલાલા રેન્જના વનપાલ પ્રવિણભાઈ વાળા, વનરક્ષક સતિષભાઈ રામ, દિલીપભાઈ ધોળીયા સહિત લેબર ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીમાંથી મગરનો મૃતદેહ બહાર કાઢી પી.એમ. માટે સાસણગીર લાયન હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. બે મગરો વચ્ચે થયેલી આંતરિક લડાઈમાં ઈજાગ્રસ્ત થતાં મગરનું મૃત્યુ થયું હોવાનું વનપાલ પ્રવિણભાઈ વાળા એ જણાવ્યું હતું. મૃત મગરના શરીર ઉપર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે.મૃત્યુ પામેલ મગર પુખ્ત વયની છે.