ઉના એસટી ડેપોમાં જૂનાગઢ-રાજુલા રૂટની એસટી બસના ડ્રાઈવરને જાહેરમાં વિદેશી દારૂની ડિલિવરી આપવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. વીડિયો સામે આવ્યા બાદ એસટી વિભાગના અધિકારીઓએ સમગ્ર મામલા ને ગંભીરતાથી લઈ બસ રાજુલા પહોંચ્યા બાદ ડ્રાઈવર નું આલ્કોહોલ ટેસ્ટ કરાવ્યું હતું. ટેસ્ટમાં 0.35 ખૠ/ 100ખક રીડિંગ આવતા રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજના આશરે 6 વાગ્યાના સમયે જૂનાગઢથી રાજુલા જતી એસટી બસ ઉના ડેપો ખાતે આવી પહોંચી હતી. બસનો આશરે 10 મિનિટનો વોલ્ટ હતો. આ દરમિયાન બસના ચાલક ભૂપતભાઈ ડાભીએ કથિત રીતે કોઈ દારૂ સપ્લાયરનો સંપર્ક કરી વિદેશી દારૂ મંગાવ્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ એક શખ્સ દ્વારા જાહેરમાં બસના ડ્રાઈવરને દારૂની ડિલિવરી આપવામાં આવી હોવાનો વીડિયો કોઈ વ્યક્તિએ કારમાં બેસીને મોબાઇલ ફોનમાં રેકોર્ડ કર્યો હતો.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલો ઉના એસટી ડેપો મેનેજર મકવાણા સુધી પહોંચ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બસ રાજુલા જવાની હોવાથી તેમણે રાજુલા ડેપો મેનેજર મમતાબેન જોશીને તાત્કાલિક જાણ કરી હતી. બસ રાજુલા પહોંચ્યા બાદ પંચોની હાજરીમાં ડ્રાઈવરનું આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં 0.35 ખૠ/100ખક રીડિંગ આવતા ડ્રાઈવરે કેફી પીણું પીધું હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે રાજુલા પોલીસને જાણ કરવામાં આવતા ડ્રાઈવર ભૂપતભાઈ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દરમિયાન એસટી ડેપો જેવા જાહેર સ્થળે ડ્રાઈવરને દારૂની ડિલિવરી આપવા આવેલ શખ્સ કોણ હતો, દારૂ ડેપો સુધી કેવી રીતે પહોંચ્યો અને ઘટનાસમયે સુરક્ષા વ્યવસ્થા તથા પોલીસની હાજરી અંગે પણ સવાલો ઊભા થયા છે. સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરી દારૂ સપ્લાય કરનાર વ્યક્તિ સુધી પહોંચવા તેમજ એસટી ડેપોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
સમગ્ર ઘટના ક્રમ
બપોરે 12.30 વાગ્યે જૂનાગઢ થી બસ રાજુલા જવા માટે ઉપડી, સાંજે 6.30 વાગ્યે બસ ઉના પહોંચી, 6.30 થી 6.45 વાગ્યા સુધી એટલે કે 15 મિનિટ માં બસ ના ચાલકે દારૂ મંગાવ્યો, 8.00 થી 8.30 વાગ્યા સુધી માં બસ રાજુલા પહોંચી, 10.30 વાગ્યા ની આસપાસ ઉના ડેપો મેનેજર મકવાણા એ આ વાયરલ વીડિયો જોયો અને બસ ચાલક ની પ્રાથમિક તપાસ કરી બાદમાં રાત્રી ના 11.00 વાગ્યે રાજુલા ડેપો મેનેજર મમતાબેન જોશી ને સંપૂર્ણ વિગત થી વાકેફ કર્યા અને ડ્રાઈવર ભૂપતભાઈ ડાભી પર કાયદેસર કાર્યવાહી ની પ્રકિયા શરૂ કરી રાજુલા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી