વર્ષોથી કાળો કારોબાર છતા દેખાવ પુરતા દરોડા સેમ્પલ લઇ લીધા પછી પણ વેંચાણ યથાવત
ઉના શહેરમાં ઘી અને માખણના નામે ચાલતો સસ્તા ખાદ્યપદાર્થોનો કાળો કારોબાર વર્ષોથી બેફામ રીતે ધમધમી રહ્યો છે. શહેરની મુખ્ય બજારમાં સવારે 8 વાગ્યા પહેલાં જ પ્લાસ્ટિકના ડબ્બા, ટીનના ક્ધટેનર અને પીપડાઓમાં સસ્તું ઘી-માખણ ઠલવાઈ જાય છે અને દિવસભર ગ્રાહકોને 300થી 400ના ભાવે વેચાણ થતું રહે છે. બહારથી જોતા સામાન્ય લાગતો આ કારોબારની કડી તપાસતા તેનું જોડાણ સોસાયટી વિસ્તારના મકાનો અને ગોડાઉન સુધી પહોંચે છે, જ્યાં ઘી-માખણના નામે માલ તૈયાર કરવામાં આવે છે અને વહેલીસવારેનાના વાહનો મારફતે બજારમાં પહોંચાડવા માં આવે છે.
સોસાયટી વિસ્તારના સ્થળોએ મોટા પતરાના વાસણો, એલ્યુમિનિયમના તપેલા, તેલના કેન, પ્લાસ્ટિક નાડબ્બા સહિતની સામગ્રી સાથે ઉત્પાદનની પ્રક્રિયા ચાલતી જોવા મળે છે. પામ ઓઈલ અને વનસ્પતિ આધારિત સામગ્રી ને ગરમ કરી તેમાં પીળો રંગ તથા ઘી-માખણ જેવી સુગંધ આપતા ફ્લેવરનો ઉપયોગ કરી માલ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ડબ્બામાં ભરીને બજારમાં વેચાણ માટે મોકલવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં સ્વચ્છતા, ઉત્પાદનની ગુણવત્તા, લાયસન્સ અને ફૂડ સેફ્ટીના નિયમોનું કેટલું પાલન થાય છે તે હવે તંત્રની તપાસનો વિષય બનવો જોઈએ.
300થી 400ના ભાવે ઘી-માખણ વેચાતું હોવું જ આ કારોબારના અર્થશાસ્ત્ર પર મોટો સવાલ ઊભો કરે છે. ઉનામાં દૂધનો ભાવ આશરે 70થી 80 પ્રતિ લીટર છે. શુદ્ધ ઘી બનાવવા માટે મોટી માત્રામાં દૂધની જરૂર પડે છે. તેના ઉપર મજૂરી, ગેસ, ઉત્પાદન, પેકિંગ, પરિવહન અને અન્ય ખર્ચ ઉમેરાય છે. ત્યારે શુદ્ધ ઘી આટલા ઓછા ભાવે વેચવું કેવી રીતે શક્ય બને તે સામાન્ય ગ્રાહક પણ સમજી શકે એવો સવાલ છે. 300-400ના ભાવે વેચાતું આ ઉત્પાદન ખરેખર શુદ્ધ ઘી, માખણ નહીં પરંતુ સસ્તા કાચા માલથી તૈયાર કરાયેલું ડુપ્લીકેટ બીજું ઉત્પાદન છે, તેનો જવાબ હવે લેબોરેટરી રિપોર્ટ જ આપી શકે પરંતુ અનેક વખત દરોડા પછી આવા રીપોર્ટ હજુ સુધી બહાર આવ્યા નથી અને લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરનારા ને સજા દંડ થયા નથી એટલે બેખોફ બની ખુલ્લેઆમ આ વેપાર કરી રહ્યા છે.
આ કારોબારનો સૌથી મોટો ભોગ સામાન્ય અને ગરીબ પરિવાર બને છે. આખો દિવસ દરિયામાં મહેનત કરતો માછીમાર હોય કે ખેતરમાં કામ કરતો મજૂર, રિક્ષા ચલાવતો ડ્રાઈવર હોય કે બાંધકામ સાઈટ પર મજૂરી કરતી મહિલા,મોંઘું શુદ્ધ ઘી ખરીદવાની ક્ષમતા ન હોવા થી સસ્તા ઘી તરફ વળવું તેમની મજબૂરી બને છે. તહેવારમાં બાળકો માટે લાપસી બનાવવાની હોય, ઘરમાં સુખડી કરવાની હોય કે સગાને મીઠાઈ મોકલવા ની હોય ત્યારે 300-400નું ઘી સરળતાથી ઉપલબ્ધ હોવાથી ગ્રાહક તેની ગુણવત્તા અંગે વધુ તપાસ કરતો નથી. જો તેમાં ભેળસેળ કે અસુરક્ષિત ઘટકોનો ઉપયોગ થતો હોય તો સસ્તાના નામે ગરીબના પરિવાર સુધી આરોગ્યનું જોખમ પહોંચતું હોવાની ગંભીર સ્થિતિ ઊભી થાય છે.
મામલો માત્ર ઘરમાં વપરાતા ઘી પૂરતો મર્યાદિત નથી. તહેવારોમાં આ જ પ્રકારના ઘીનો ઉપયોગ લાડુ, બરફી, મોહનથાળ, ઘારી, સુખડી સહિતની મીઠાઈઓમાં થાય તો એક જ જથ્થો અનેક પરિવારો સુધી પહોંચી શકે છે.એટલે બજારમાં વેચાતા આવા સસ્તા ઘી-માખણના નમૂનાઓનું તાત્કાલિક સેમ્પલિંગ કરી વૈજ્ઞાનિક તપાસ કરાવવી જરૂરી બની જાય છે. ખાદ્યપદાર્થની ગુણવત્તા અંગે અંતિમ નિર્ણય કોઈ વ્યક્તિના દાવા પરથી નહીં પરંતુ માન્ય લેબોરેટરીના રિપોર્ટ પરથી જ થવોજોઈએ.
સૌથી ગંભીર બાબત એ છે કે ઉનામાં આ કારોબાર નવો નથી. વર્ષોથી સસ્તા ઘી-માખણના નામે માલ વેચાતો હોવાની ચર્ચા વચ્ચે ફૂડ વિભાગ તથા સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા અગાઉ દરોડા પાડવામાં આવ્યા છે, માલ પકડાયો છે અને સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. તેમ છતાં કાર્યવાહી બાદ થોડા સમય પછી ફરી એ જ પ્રકારનો માલ બજારમાં જોવા મળે તો તંત્રની કામગીરી સામે સવાલ ઊભો થવો સ્વાભાવિક છે.
દરોડો એક દુકાનમાં પડે અને ઉત્પાદનનું મૂળ ગોડાઉન બીજી જગ્યાએ ધમધમતું રહે તો કાળા કારોબારનો મૂળ સ્ત્રોત ક્યારેય બંધ થવાનો નથી. બજારમાં બેઠેલા વેચાણકાર સુધી કાર્યવાહી સીમિત રાખવાને બદલે માલ ક્યાં બને છે, કાચો માલ ક્યાંથી આવે છે, કોણ તૈયાર કરે છે, કોણ પેક કરે છે અને કયા વેપારીઓ સુધી પહોંચે છે તેની આખી સપ્લાય ચેઇન શોધવી પડશે.
સામાન્ય માણસ દારૂની એક બોટલ સાથે ઝડપાય તો તંત્ર તાત્કાલિક સક્રિય થઈ જાય છે, કાર્યવાહી થાય છે અને તેની માહિતી પણ જાહેર થાય છે. પરંતુ હજારો લોકોના ખોરાક સાથે જોડાયેલા ગંભીર મુદ્દામાં જો કાર્યવાહી ધીમી પડે તો લોકોના મનમાં સવાલ ઊભો થાય છે કે ખાદ્ય ભેળસેળ કરનારાઓને ખરેખર કાયદાનો ડર છે કે નહીં. દરોડા પડે, સેમ્પલ લેવાય, કાર્યવાહી થાય અને છતાં બીજા દિવસે બજારમાં ફરી માલ દેખાય તો આ માત્ર વેપારીની હિંમત નથી, પરંતુ અમલવારી વ્યવસ્થાની અસરકારકતા સામે પણ મોટો સવાલ છે.
દરોડા પડ્યા, ધંધો કેમ નહીં અટક્યો?
ફૂડ વિભાગ અને સંબંધિત એજન્સીઓ દ્વારા અગાઉ દરોડા, માલ જપ્તી અને સેમ્પલિંગની કાર્યવાહી થઈ હોવા છતાં જો ફરી એ જ પ્રકારનો માલ બજારમાં વેચાતો હોય તો કાર્યવાહીનું પરિણામ શું આવ્યું તે જાહેર થવું જોઈએ.માત્ર બજારમાં માલ વેચનારને પકડવાથી કાળો કારોબાર બંધ નહીં થાય. ઉત્પાદન સ્થળ, કાચો માલ, સપ્લાયર, વાહન અને બજાર સુધી ની આખી સપ્લાય ચેઇન તપાસવામાં આવે તો જ આ ધંધાનું મૂળ બહાર આવશે.
તંત્રએ માત્ર બજારમાં દેખાતા ડબ્બા જ નહીં, પરંતુ તેની પાછળના ગોડાઉન સુધી પહોંચવું પડશે
સોસાયટી વિસ્તારમાં ચાલતા કથિત ઉત્પાદન સ્થળો ની તપાસ, કાચા માલની ચકાસણી, ઉત્પાદનની રીત, પેકિંગ, લાયસન્સ, ઋજજઅઈં નોંધણી તથા બજારમાં સપ્લાય થતી ચેઇનની તપાસ કરવી જરૂરી છે. અગાઉ લેવાયેલા સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ શું આવ્યા, કેટલા નમૂનાપાસ કે ફેઇલ થયા અને દોષિત સામે શું કાર્યવાહી થઈ તે પણ જનતા સામે સ્પષ્ટ થવું જોઈએ.
સસ્તું ઘી ખરીદનાર ગ્રાહકને સસ્તું શું મળી રહ્યું છે શુદ્ધ ખોરાક કે આરોગ્યનું જોખમ?
આ સવાલનો જવાબ હવે માત્ર વેપારી પાસે નહીં, પરંતુ તંત્ર પાસે પણ માંગવાનો સમય આવી ગયો છે. વર્ષોથી ચાલતા આ કારોબાર પર જો ખરેખર લગામ લગાવવી હોય તો એકાદ દરોડાથી નહીં, મૂળ ઉત્પાદન સ્થળથી લઈને અંતિમ ગ્રાહક સુધીની આખી કડી પર કડક કાર્યવાહી કરવી પડશે. નહીં તો એક દુકાન બંધ થશે, બીજી જગ્યાએ ડબ્બા ગોઠવાશે અને ગરીબના રસોડા સુધી સસ્તાના નામે એ જ માલ પહોંચતો રહેશે.