Jai Hind

ઉનાના જસરાજનગરમાં મધરાત્રે શિકારની શોધમાં સિંહની લટાર

રહેણાંક વિસ્તારમાં પશુનું મારણ: વનવિભાગ દ્વારા પેટ્રોલીંગ વધારવા માંગ

ઉના શહેર થી 2 કિલોમીટર દૂર આવેલા જસરાજ નગર માં મોડી રાત્રે એક સિંહે પશુનું મારણ કર્યું હતું. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સિંહ શિકારની શોધમાં સોસાયટીની શેરીઓમાં આવી પહોંચ્યો હતો.
જસરાજ નગર સોસાયટીમાં લગભગ 200 થી વધુ મકાનો છે. આ વિસ્તારમાં અગાઉ પણ સિંહોની અવરજવર જોવા મળી છે. તેના કારણે રાત્રે બહાર નીકળતા લોકો ડરે છે. સોસાયટીમાં સિંહ આવતા રહેવાસીઓએ એકબીજાને ફોન કરીને સાવચેત કર્યા હતા.
સિંહે સોસાયટીની શેરીઓમાં લટાર મારીને આરામથી મારણ કર્યું હતું. સિંહ રહેણાંક વિસ્તાર સુધી પહોંચતા કેટલાક લોકો ઘરની બહાર નીકળવાને બદલે પોતાની કારમાં બેસીને તેને જોવા લાગ્યા હતા.સામાન્ય રીતે સિંહો જંગલ અને ગ્રામ્ય વિસ્તારમાં જ જોવા મળે છે. પરંતુ હવે તેઓ ઉના શહેર નજીકના રહેણાંક વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે. આના કારણે વન વિભાગની પેટ્રોલિંગ કામગીરી પર સવાલો ઉભા થયા છે.
આ વિસ્તાર ગીર પૂર્વની જસાધાર રેન્જમાં આવે છે. સ્થાનિકોની માગ છે કે, વન વિભાગ જસાધાર રેન્જમાં કુલ કેટલા સિંહ છે તેનો સર્વે કરે. તેમાં કેટલા સિંહ જંગલમાં અને કેટલા સિંહ ગામ કે રહેણાંક વિસ્તાર નજીક રહે છે તેની માહિતી આપે.સ્થાનિકોનું કહેવું છે કે, સિંહોના રહેઠાણ અને અવરજવરના વિસ્તારો ઓળખીને ત્યાં નિયમિત પેટ્રોલિંગ કરવું જોઈએ. તેનાથી માનવ અને સિંહ બંને સુરક્ષિત રહી શકે છે.