Jai Hind

ખાંભા એ.પી.એમ.સી. ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 10 બેઠકોમાંથી 8 પર ભાજપનો વિજય

એક બેઠકમાં ટાઈ થતા, એક ચિઠ્ઠીએ ભાજપ પ્રમુખને હરાવ્યા
ભાજપના અસંતુષ્ટ જૂથના સુરેશ નસીતનો ચિઠ્ઠીથી વિજય : એક બેઠકમાં કોંગ્રેસ વિજેતા

અમરેલી જિલ્લાના ખાંભા ખાતે આવેલ અઙખઈની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકોના પરિણામોએ ભારે રાજકીય રસાકસી સર્જી હતી. કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો, જ્યારે એક બેઠક કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ દુધાતે જીતી હતી. પરંતુ 10મી બેઠકનું પરિણામ બે ઉમેદવારોને સરખા મત મળતાં ટાઈમાં અટવાઈ ગયું હતું. અંતે નિયમ મુજબ ચિઠ્ઠી નાખવામાં આવતા ભાજપના અસંતુષ્ટ જૂથના ઉમેદવાર સુરેશભાઈ નસીતનો વિજય થયો હતો, જ્યારે ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ખાંભા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગની ચાર બેઠકો અગાઉ ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. ગઈકાલે યોજાયેલા મતદાનમાં કુલ 567 મતદારો પૈકી 527 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આજે યોજાયેલી મતગણતરી દરમિયાન બે બુથ પર કુલ 21 રાઉન્ડની ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. મતગણતરીના અંતે ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી 8 બેઠકો ભાજપના ઉમેદવારોના ફાળે ગઈ હતી, જ્યારે એક બેઠક કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ દુધાતે જીતી હતી. દસમી બેઠક માટે ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ અને ભાજપના અસંતુષ્ટ જૂથના ઉમેદવાર સુરેશભાઈ નસીત વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી.
ભાજપના આનંદભાઈ ભટ્ટ અને ભાજપના અસંતુષ્ટ જૂથના ઉમેદવાર સુરેશભાઈ નસીત બંને ઉમેદવારોને સરખા 166-166 મત મળતાં ચૂંટણી અધિકારીઓ સમક્ષ ટાઈની સ્થિતિ સર્જાઈ હતી. પરિણામને લઈને રીકાઉન્ટિંગની પ્રક્રિયા હાથ ધરાયા બાદ પણ બંને ઉમેદવારોના મત સરખા રહેતા આખી ચૂંટણીનું પરિણામ ચિઠ્ઠી દ્વારા નક્કી કરવાની સ્થિતિ ઊભી થઈ હતી.
ખેડૂત વિભાગમાં ઉમેદવારોને મળેલા મતોમાં ભરત સખવાળાને 224, બાવભાઈ ભમ્મરને 221, રમેશભાઈ તંતીને 205, વિનુભાઈ રૈયાણીને 203, મેરામભાઈ વાઘોસીને 194, શાંતિલાલ ઠુમ્મરને 194, લાભુભાઈ ગજેરાને 193, ભરતભાઈ દુધાતને 186 અશ્વિનભાઈ સેંજલીયાને 183 મત મળ્યા હતા. જ્યારે સુરેશભાઈ નસીત અને આનંદભાઈ ભટ્ટ બંનેને 166-166 મત મળતાં ટાઈ પડી હતી.
ચિઠ્ઠીથી વિજય મેળવ્યા બાદ સુરેશભાઈ નસીતને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ભાજપના તાલુકા પ્રમુખ આનંદભાઈ ભટ્ટે પણ પરિણામ સ્વીકારી ખેડૂતોએ મૂકેલા વિશ્વાસને ટકાવી રાખવા માટે આગામી સમયમાં વધુ મહેનત કરવાની વાત કરી હતી. આમ, ખાંભા અઙખઈની ખેડૂત વિભાગની ચૂંટણીમાં ભાજપે 8 બેઠકો પર વિજય મેળવ્યો, કોંગ્રેસને એક બેઠક મળી અને એક બેઠક ભાજપના અસંતુષ્ટ જૂથના ઉમેદવાર સુરેશ નસીતના ફાળે ગઈ. જોકે ટાઈ અને ત્યારબાદ ચિઠ્ઠીથી નક્કી થયેલું અંતિમ પરિણામ સમગ્ર ચૂંટણીનું સૌથી ચર્ચાસ્પદ પાસું બની રહ્યું હતું.