Jai Hind

ખંભાળીયાનાં ધરમપુરમાં 40 ફૂટ કૂવામાં પડેલી ગાયનું રેસ્કયુ


હાઈડ્રો, જેસીબીની મદદથી ગાયને બહાર કઢાઈ

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અબોલ પશુઓ માટે જોખમી બનેલી ખુલ્લી જગ્યાઓ અને ઊંડા કૂવાઓને કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ખંભાળિયા તાલુકાના ધરમપુર તેજાવાડી વિસ્તારમાં એક ગૌમાતા આશરે 40 ફૂટ ઊંડા કૂવામાં પડી જતા સ્થાનિકોમાં ચિંતા પ્રસરી હતી.
ધરમપુર તેજાવાડી વિસ્તારમાં આવેલા એક ઊંડા કૂવામાં ગૌમાતા અકસ્માતે પડી ગઈ હતી. ગૌમાતા કૂવામાં પડી હોવાની જાણ સ્થાનિકોને થતા તાત્કાલિક એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ, ખંભાળિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સંસ્થાની રેસ્ક્યુ ટીમ સમય ગુમાવ્યા વિના જરૂરી સાધન-સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
કૂવાની ઊંડાઈ આશરે 40 ફૂટ જેટલી હોવાથી ગૌમાતાને સીધી રીતે બહાર કાઢવી મુશ્કેલ હતી. ગૌમાતાની સલામતીને ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હાઈડ્રો તથા જે.સી.બી.ની મદદ લેવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા કૂવામાં પડેલી ગૌમાતાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારે જહેમત હાથ ધરવામાં આવી હતી.
લાંબી અને જહેમતભરી કામગીરી બાદ આખરે ગૌમાતાને સફળતાપૂર્વક કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢ્યા બાદ ગૌમાતાની સ્થિતિ અંગે જરૂરી તપાસ કરવામાં આવી હતી અને વધુ સારવાર તથા દેખરેખની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેને એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ખસેડવામાં આવી હતી.