Jai Hind

તાલાલામાં માતાજીના મઢના બાંધકામની પરવાનગીમાં લાંચ માંગનાર તલાટી સહિત ત્રણ ઝડપાયા

એ.સી.બી.એ છટકુ ગોઠવી આઠ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા

તાલાલા શહેરમાં ગીર સોમનાથ જિલ્લા એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ સ્વીકારતાં તલાટી કમ મંત્રી સહિત ત્રણ શખ્સોને રંગેહાથે ઝડપી લેતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા નરસિંહ ટેકરી વિસ્તાર પાસે ગલીયાવડ ગીર ગામની સીમ તળમાં આવેલ રામેશ્વર પાર્કમાં માતાજીનો મઢ નવનિર્મિત બનાવવા બાંધકામ ની પરવાનગી તથા રેવન્યુ રેકર્ડના નમુના નં.2 અને વેરા પહોંચ કઢાવવા ફરિયાદી એ અરજી કરી હતી.આ કામગીરી માટે ગલીયાવડ ગીર ગામના ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી ધવલભાઈ ચાવડા એ ફરિયાદી પાસે 30 હજાર ની લાંચની માંગણી કરી હતી.અંતે આઠ હજાર માં કામગીરી કરી આપવાનું નક્કી થયું હતું ત્યારબાદ ફરિયાદીએ ગીર સોમનાથ જિલ્લા એન્ટી કરપ્શન બ્યુરો માં તલાટી કમ મંત્રીએ માંગેલ લાંચની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે એ.સી.બી.ની ટીમે તાલાલા શહેરમાં સાસણ રોડ ઉપર આવેલ ન્યુ સહયોગ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં આરોપીઓને પકડી પાડવા છટકું ગોઠવ્યું હતું.છટકામાં તલાટી મંત્રી ધવલભાઈ ની સુચનાથી ન્યુ સહયોગ એન્ટરપ્રાઈઝ નાં સંચાલક દિલીપ રામે વાતચીત કરી તેમનાં સાથીદાર કપિલ રામે રૂ.આઠ હજાર ની લાંચની રકમ સ્વિકારતા ત્રણેય આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતાં.એન્ટી કરપ્શન બ્યુરો નાં પી.આઈ.એ.ડી.વાળાએ આરોપી પાસેથી લાંચની રકમ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.એ.સી.બી.ના દરોડા થી ભ્રષ્ટાચારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.