Jai Hind

ચાલિયા સાહેબના 40 દિવસીય વ્રત-અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિતે જામનગરમાં મટકી યાત્રા

ઝુલેલાલ મંદિર ખાતે પંજડા, આરતી, આખ્ખો સાહેબ અને પલ્લવ સાહેબ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

સિંધી સમાજના ઇષ્ટદેવ પૂજ્ય શ્રી ઝુલેલાલ ભગવાનની આરાધનાના પવિત્ર ચાલિયા સાહેબના 40 દિવસીય વ્રત-અનુષ્ઠાનની જામનગરમાં શ્રદ્ધા, ભક્તિ અને ધાર્મિક પરંપરા સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી રહી છે. આ પવિત્ર પ્રસંગને યાદગાર બનાવવા માટે તીન બત્તી વિસ્તારમાં આવેલ શ્રી ઝુલેલાલ મંદિર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ભવ્ય મટકી યાત્રા તેમજ ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલિયા સાહેબના 40 દિવસ દરમિયાન જામનગર સહિત સિંધી સમાજના અનેક પરિવારો દ્વારા શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ સાથે વિવિધ ધાર્મિક નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. ભક્તોએ પોતાના પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને સર્વાંગી કલ્યાણ માટે પૂજ્ય શ્રી ઝુલેલાલ ભગવાનની આરાધના કરી હતી.
ચાલિયા સાહેબના પવિત્ર વ્રત-અનુષ્ઠાન દરમિયાન અનેક શ્રદ્ધાળુ પરિવારો દ્વારા પોતાના ઘરમાં મટકી સાહેબની સ્થાપના કરવામાં આવી હતી. 40 દિવસ સુધી નિયમિત પૂજન-અર્ચન, દીપ પ્રાગટ્ય, ભજન-કીર્તન અને ધાર્મિક વિધિઓ સાથે મટકી સાહેબની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવામાં આવી હતી. પૂર્ણાહુતિના દિવસે ઘેર-ઘેર સ્થાપિત કરવામાં આવેલી મટકી સાહેબને ધાર્મિક પરંપરા અને વિધિ અનુસાર એકત્રિત કરી ભવ્ય મટકી યાત્રામાં સામેલ કરવામાં આવી હતી. આ યાત્રા 40 દિવસ સુધી કરવામાં આવેલી ભક્તિ, શ્રદ્ધા, સંકલ્પ અને સાધનાની સામૂહિક પૂર્ણાહુતિનું પ્રતીક બની હતી. ચાલિયા સાહેબની પૂર્ણાહુતિ નિમિતે તીન બત્તી સ્થિત શ્રી ઝુલેલાલ મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. સાંજે 7 વાગ્યાથી મંદિર ખાતે પંજડા (ભજન), આરતી, આખ્ખો સાહેબ તેમજ પલ્લવ સાહેબ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી પૂજ્ય શ્રી ઝુલેલાલ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મટકી યાત્રામાં સિંધી સમાજની મહિલાઓ, બાળકો, યુવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. 40 દિવસ સુધી પોતાના ઘરમાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સ્થાપિત કરાયેલી મટકી સાહેબને ભક્તો પોતાની સાથે લઈને યાત્રામાં જોડાયા હતા. મટકી યાત્રા તીન બત્તી સ્થિત શ્રી ઝુલેલાલ મંદિરથી પ્રસ્થાન કરી અનુપમ ટોકીઝ, ટાઉનહોલ, લાલ બંગલો થઈ ખઈંૠ કોલોની તરફ આગળ વધી હતી. યાત્રા દરમિયાન જય ઝુલેલાલના જયઘોષ, ભજન-કીર્તન અને ધાર્મિક ગીતોથી સમગ્ર માર્ગ ભક્તિમય બની ગયો હતો. પરંપરાગત ધાર્મિક ભાવના સાથે સિંધી સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાઈ ચાલિયા સાહેબની પૂર્ણાહુતિની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. શ્રી ઝુલેલાલ મંદિર દ્વારા ચાલિયા સાહેબની પૂર્ણાહુતિ નિમિતે ભવ્ય ભંડારા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી પૂજ્ય શ્રી ઝુલેલાલ ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.