દીવ દરિયામાં ફસાયેલી ફિશિંગ બોટ ભાઠ ઉપરથી નહી નિકળતા બોટ માલિકને લાખોનું નુકશાન થયું છે. માછીમારભાઈઓની મદદથી બોટમાં રહેલ માલ-સામાનને સલામત રીતે કિનારે લવાયો હતો માછીમારોનો બચાવ થયો છે.
ગઈકાલે શનિવારે બપોરે સાઉદવાડીના રહેવાસી ઉમેશભાઈ રાજા ચાવડાની પ્રભુ શિવ નામની ફિશિંગ બોટ નંબર ડી.ડી.02 એમ.એમ. 1564 જે ગઈકાલે એક વાગ્યે વણાંકબારા બંદરથી ફિશિંગ માટે નિકળી હતી. માત્ર દોઢ કલાકના સમયમાં જ આ બોટ દીવના આઈ.એન.એસ ખુકરી મેમોરીયલ સ્થળ બાજુ દરીયાની ભાઠમાં અચાનક ફસાઈ પડી હતી. આ બોટમાં ટંડેલ અને 6 ખલાસીઓ હતા. દીવ પ્રશાસનને આ ઘટનાની જાણ થતા દીવ પ્રશાસનના ડેપ્યુટી કલેક્ટર શીવમ મીશ્રા, પોલીસ, ફાયર અને સ્થાનિક માછીમારભાઈઓ ઘટના સ્થળે મદદ માટે પહોંચ્યા હતા. સમુદ્રના તોફાની મોઝા વચ્ચે દરેક લોકો લાચાર હતા. ત્યારબાદ દરિયાનું પાણી ઓછું થતા ટંડેલ અને 6 ખલાસીઓને સહિ સલામત બોટમાંથી બહાર કાઢયા ત્યારબાદ બોટમા રહેલ માલ-સામાન બહાર કાઢવાની પ્રક્રીયા હજુ ચાલુ છે. ભાઠ ઉપર ફસાયેલ બોટમાં પાણી ભરાતા અને સમુદ્રના સતત મોજાના કારણે બોટને મોટું નુકશાન થયું છે. હવે આ સમુદ્રમાં જાય તેવી કોઈ શક્યતા નથી આ ફિશિંગ બોટ આવી રીતે ફસાઈ જતા બોટ માલિકને લાકોનું નુકશાન થયું છે.