ગોંડલ-તાલાલામાં ચાર ઈંચ, ઉનામાં ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ : રાજકોટ-ધ્રોલમાં બે-બે ઈંચ વરસાદ : કલ્યાણપુર, લાલપુર, જામનગરમાં એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો
રાજ્યમાં એક મહિનાના લાંબા વિરામ બાદ વરસાદના બીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ ચુકી છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાદરવે ભરપૂરની સ્થિતિ સર્જાઈ છે. ભાવનગરના વલ્લભીપુરમાં અનરાધાર છ ઈંચ, ભેંસાણમાં પાંચ, ગોંડલ, કોટડાસાંગાણી, ઉનામાં સાડા ચાર ઈંચ, તાલાલા પંથકમાં 4 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જયારે ગઢડામાં સવા ત્રણ, રાજકોટ-ધ્રોલમાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 51 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશચતુર્થીના દિવસે મેઘાવી માહોલ વચ્ચે અનરાધાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. રાજકોટ શહેરમાં સોમવારે સવારથી મેઘાવી માહોલ વચ્ચે ઝાપટા વરસવાના શરૂ થયા હતાં. જો કે, બપોરે ત્રણ વાગ્યે ધોધમાર બે ઈંચ વરસાદ વરસી જતાં શહેરના રાજમાર્ગો પાણીમાં ગરકાવ થયા હતાં. શહેરમાં આવેલું પોપટપરાનું નાલુ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો.
ભાવનગર
ભાવનગર જિલ્લામાં સોમવારે મેઘરાજાએ રુદ્ર સ્વરૂપ ધારણ કરીને તોફાની પધરામણી કરી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વલ્લભીપુર, પાલિતાણા અને ઉમરાળા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળાઓમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વલ્લભીપુરમાં આજના દિવસમાં જ કૂલ 150 મીમી ( 6 ઇંચ) મુસળધાર વરસાદ ખાબક્યો છે, જેમાં બપોરે 2 થી 4 વાગ્યા વચ્ચેના માત્ર બે જ કલાકમાં 90 મીમી (સાડા ત્રણ ઇંચથી વધુ) વરસાદ વરસતા સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો હતો.
ઉમરાળા તાલુકામાં દિવસ દરમિયાન કૂલ 79 મીમી (3 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો છે, જેમાં બપોરે 2 થી 4 વાગ્યા વચ્ચે 44 મીમી વરસાદ ખાબક્યો હતો. પાલિતાણા તાલુકામાં પણ બપોરે 12 થી 4 દરમિયાન ભારે ધારા સાથે દિવસનો કુલ 78 મીમી (3 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવા તાલુકામાં બપોરે 12 થી 2 વાગ્યાના બે કલાકમાં જ 46 મીમી વરસાદ પડાતા કુલ 58 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તળાજામાં 45 મીમી, સિહોરમાં 16 મીમી, ઘોઘામાં 12 મીમી, જેસરમાં 12 મીમી, ભાવનગરમાં 11 મીમી અને ગારીયાધારમાં 3 મીમી વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં સરેરાશ 46.4 મીમી (પોણા બે ઇંચ) વરસાદ થયો છે.
માળીયાહાટીના
સોમવારે સવારથી જ માળીયાહાટીના બે દિવસના સખત બફારા અને ઉકળાટ બાદ સવારથી જ વરસાદ શરૂ થયો છે
બપોર સુધીમાં અઢી ઇંચ પાણી પડ્યું છે મગફળી સહિતના ચોમાસુ પાકને જીવનદાન મળ્યું છે ધરતીપુત્રો આનંદમાં આવી ગયા છે મોસમ નો કુલ વરસાદ 960 મી મી 38 ઇચ. થી પણ વધારે પડ્યો છે પાણીધ્રા, ગડોદર, ભંડુરી , અમરાપુર, વડીયા ,કડાયા, માતર, વાણીયા, વિરડી , અવાણીયા સહિત ના મોટાભાગના ગામડાઓમાં વરસાદ પડ્યાના સમાચાર મળે છે.
ગોંડલ
ગોંડલ માં સવારે હળવો વરસાદ વરસ્યા બાદ બપોર નાં સાંબેલાધારે મેઘવર્ષા થતા સાંજ સુધી માં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદ ને કારણે કાશીવિશ્વનાથ રોડ પર આવેલા રાતાપુલ હેઠળ પાણી ભરાતા વાહનવ્યવહાર અટકી પડ્યો હતો.ઉમવાડા અંડરબ્રીજ માં પણ પાણી ભરાયા હતાં.ભારે વરસાદ ને કારણે રાજમાર્ગોપર ઠેરઠેર પાણી ભરાયા હતા.ગુંદાળા દરવાજા અને ગુંદાળા શેરી માં પાણી ભરાયા હતા.ગોંડલ નાં ગ્રામ્ય વિસ્તાર માં પણ શ્રીકાર વરસાદ વરસતા ખેડૂતો માં હરખ ની હેલી ઉઠવા પામી હતી.વરસાદ ને કારણે મગફળી,કપાસ, સોયાબીન જેવા વાવેતર ને જીવતદાન મળ્યુ છે.
જામનગર
રાજ્ય ના હવામાન ખાતા દ્વારા જામનગર સહિત જિલ્લાઓ માં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. ત્યારે જામનગર શહેર જિલ્લા માં હળવા ઝાપટા થી બે ઇંચ જેટલો વરસાદ થયો છે. હજુ પણ વરસાદની આગાહી હોઈ લોકો સંતોષકારક વરસાદની રાહ જોઈ રહ્યા છે.
જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે ે વરસાદ થયો હતો. સાંજે 8 વાગ્યા સુધીમાં જામનગર માં 10 મીમી, જોડીયામાં 8 મીમી ધ્રોલમાં 47 મીમી, કાલાવડમાં 10 મીમી , લાલપુરમાં 29 મીમી અને જામજોધપુર માં 41 મીમી વરસાદ થયો છે. આ ઉપરાંત અમુક ગામડામાં પણ વરસાદના વાવડ છે. જેમાં જામવાડીમાં 20 મીમી વરસાદ થયો છે. જયારે બાલંભા, નિકાવા, મોટા વડાળા, સમાણા, વાંસ જાળીયા અને પરડવામાં વરસાદી ઝાપટા વરસ્યા હતાં. આમ સૌથી વધુ ધ્રોલ પંથકમાં લગભગ બે ઇંચ જેટલો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડા પ્રસરી હતી જો કે હજુ મંગળવારે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આથી લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
જામ ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાના મુખ્ય દિવસો એવા શ્રાવણ માસ સુધીમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સાંજે છ વાગ્યા સુધીમાં સૌથી વધુ ભાણવડ તાલુકામાં 35 મી.મી. (દોઢ ઈંચ), કલ્યાણપુરમાં 23 મી.મી. (એક ઈંચ), ખંભાળિયામાં 13 મી.મી (અડધો ઈંચ) અને દ્વારકા તાલુકામાં 9 મી.મી. વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.
રાજુલા
રાજુલા અને જાફરાબાદ પંથકમાં સવારથી વરસાદ પડી રહ્યો છે જેમાં જિલ્લામાં સૌથી વધારે રાજુલા શહેરમાં 2 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી મુખ્ય બજારમાં પાનો વહેતા થયા શહેરના તમામ મુખ્ય માર્ગ વિવિધ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યાં ડેમ જળાશયોમાં પાણીની આવક વધી ઉપરાંત જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે સારો વરસાદ ખાબક્યો હતો.
જામનગર
રાજ્ય ના હવામાન ખાતા દ્વારા જામનગર સહિત જિલ્લાઓ માં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. ત્યારે જામનગર શહેર જિલ્લા માં હળવા ઝાપટા થી બે ઇંચ જેટલો વરસાદ થયો છે. હજુ પણ વરસાદની આગાહી હોઈ લોકો સંતોષકારક વરસાદની રાહ જોઈ રહ્યા છે. જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે ે વરસાદ થયો હતો. સાંજે 8 વાગ્યા સુધીમાં જામનગર માં 10 મીમી, જોડીયામાં 8 મીમી ધ્રોલમાં 47 મીમી, કાલાવડમાં 10 મીમી , લાલપુરમાં 29 મીમી અને જામજોધપુર માં 41 મીમી વરસાદ થયો છે. આ ઉપરાંત અમુક ગામડામાં પણ વરસાદના વાવડ છે. જેમાં જામવાડીમાં 20 મીમી વરસાદ થયો છે. જયારે બાલંભા, નિકાવા, મોટા વડાળા, સમાણા, વાંસ જાળીયા અને પરડવામાં વરસાદી ઝાપટા વરસ્યા હતાં. આમ સૌથી વધુ ધ્રોલ પંથકમાં લગભગ બે ઇંચ જેટલો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડા પ્રસરી હતી જો કે હજુ મંગળવારે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આથી લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
જામ ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાના મુખ્ય દિવસો એવા શ્રાવણ માસ સુધીમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સાંજે છ વાગ્યા સુધીમાં સૌથી વધુ ભાણવડ તાલુકામાં 35 મી.મી. (દોઢ ઈંચ), કલ્યાણપુરમાં 23 મી.મી. (એક ઈંચ), ખંભાળિયામાં 13 મી.મી (અડધો ઈંચ) અને દ્વારકા તાલુકામાં 9 મી.મી. વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.
વીરપુર
રાજકોટના યાત્રાધામ વીરપુરમાં સોમવારે સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા અને દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. દિવસભર ઉકળાટ અને બફારાથી લોકો પરેશાન જોવા મળ્યા બાદ સાંજના સમયે અચાનક મેઘરાજાએ ધોધમાર વરસાદ સાથે એન્ટ્રી કરી હતી. વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. સાંજના સમયે વરસાદે જોર પકડતા વીરપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. લાંબા સમય બાદ વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાઈ ગયા હતા અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના પગલે ગરમીથી પરેશાન લોકોમાં પણ રાહતનો માહોલ જોવા મળ્યો હતો.
અમરેલી
રાજુલા શહેરમાં આજે વરસાદે અચાનક જોર પકડતાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું અને કેટલાક માર્ગો પર પાણીનો પ્રવાહ નદી માફક વહેતો જોવા મળ્યો હતો. ખાસ કરીને રાજુલાની હવેલી શેરી વિસ્તારમાં વરસાદી પાણીના ધસમસતા પ્રવાહને કારણે સ્થાનિકોમાં ભારે ચર્ચા જોવા મળી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા રાજુલા પંથકના ખેડૂતો માટે આજનો વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે. રાજુલા તાલુકાના વડ, ભચાદર, ઉંચૈયા, ભેરાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. કોસ્ટલ બેલ્ટમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. જોકે હવે વરસાદનું આગમન થતાં ખેતીના પાકને જીવનદાન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. મળતી માહિતી મુજબ રાજુલામાં આશરે 2 ઇંચ, જાફરાબાદમાં 1 ઇંચ અને વડીયામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. કોસ્ટલ બેલ્ટના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં યથાવત્ રહ્યા હતા. અમરેલી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી નજીકના જાળીયા ગામમાં અંદાજે 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સ્થાનિક તળાવમાં નવા નીરની આવક થઈ હતી. પાણીની આવક વધતાં તળાવ ઓવરફ્લો થતાં ગ્રામ જનોમાં ખુશી છવાઈ હતી. જાળીયા ઉપરાંત બાબાપુર, વાંકિયા, પાણીયા, મેડી, તરવડા, મોટા ભંડારીયા સહિતના ગામોમાં પણ 1થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
માધવપુર
માધવપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેમાં માત્ર ગણતરીના સમયમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. લાંબા સમયની રાહ જોયા બાદ વરસેલો આ વરસાદ સ્થાનિક ખેડૂતો માટે ’કાચું સોનું’ સાબિત થયો છે, જેનાથી મુરઝાતી ખેતીને નવું જીવન મળ્યું છે.
ગઢડા
ગઢડા(સ્વામીના) શહેર અને ગ્રામ્ય પંથકમાં ચોમાસુ મોસમના વરસાદે લીધેલા લાંબા વિરામ બાદ હવામાન ખાતાની આગાહી અનુરૂપ બે દિવસથી વરસાદી માહોલ જામતા હળવાથી ભારે વરસાદના પગલે લોકોએ હાંશકારો અનુભવ્યો છે. ગઢડા શહેરમાં વહેલી સવારથી મોડી સાંજ સુધીમાં 81 મી.મી. વરસાદ નોંધાયો હતો. આ વરસાદના પગલે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. તેમજ થોડા થોડા સમય માટે વીજળી ગુલ થઈ ગઈ હતી.
વાંસજાળીયા
વાંસજાળીયા માં આજે સોમવારે બપોરે બે વાગ્યા આસપાસ અડધા ઈંચ જેટલો વરસાદ થયો છે.અહીં મોસમ નો કુલ વરસાદ માત્ર બે થી ત્રણ ઈંચ જ થયો છે.ખેડૂતો એ બોર કે કુવા ના પાણી થી આગોતરા વાવેતર કર્યા હતાં, અને આશાવાદી હતા કે ચોમાસા માં યોગ્ય સમયે વરસાદ આવશે પરંતુ ખેડૂતો ની એ આશા નિરાશા માં પલટાઈ ગઈ છે.
જૂનાગઢ
જૂનાગઢમાં છેલ્લા 36 કલાકથી વરસી રહેલા વ્યાપક વરસાદના કારણે જિલ્લાની અનેક નદીઓમાં પૂર આવ્યા હોવાના સમાચાર સાંપડી રહ્યા છે. આ સાથે લાંબા સમય બાદ વરસાદની મહેરબાની થતા ખેડૂતોના ચહેરાઓ ઉપર ખુશીની લહેર દોડી છે. તો બીજી બાજુ જુનાગઢના ગિરનાર અને દાતાર જંગલ વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ થતાં શહેરની કાળવા નદીમાં ભારેપુર આવ્યા હતા અને દામોદર કુંડ તથા નરસિંહ મહેતા તળાવમાં નવા નીર આવ્યા છે. આ ઉપરાંત શહેરને પાણી પુરા પાડતા વિલીંગ્ડન અને હસનાપુર ડેમમાં પણ પાણીનું સ્તર વધ્યું હોવાના સુખદ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે તો બીજી બાજુ ભેસાણમાં છેલ્લા 36 કલાકમાં પાંચ ઇંચ વરસાદ થતાં ઉબેણ, સોનરખ તથા ઉતાવળી નદીમાં ભારે પુર આવ્યા છે. ગઈકાલ સવારથી શરૂ થયેલો વરસાદ આજે પણ અવિરત રીતે વરસી રહ્યો છે. અને આજે છેલ્લા 12 કલાકમાં ભેસાણમાં ત્રણ ઇંચ અને વિસાવદરમાં બે ઇંચ તથા માળિયામાં અઢી ઇંચ અને ગિરનાર ઉપર અઢી ઇંચની સાથે માણાવદરમાં દોઢ અને માંગરોળમાં દોઢ ઇંચ વરસાદ સત્તાવાર રીતે નોંધાયો છે. જ્યારે જૂનાગઢમાં હળવા ઝાપટા આખો દિવસ શરૂ રહ્યા હતા અને સતાવાર રીતે અડધો ઇંચ વરસાદ થયો હોવાના સત્તાવાર આંકડાઓ મળી રહ્યા છે. જૂનાગઢના ગિરનાર અને દાતાર પર્વત અને જંગલ વિસ્તારમાં અવિરત વરસાદ વરસતા, આજે સવારથી કાઢવા નદીમાં ભારે પુર આવ્યું હતું. તે સાથે દામોદર કુંડમાં પણ નવા નીર આવ્યા હતા, અને શહેરના મધ્યમાં આવેલ નરસિંહ મહેતા તળાવમાં પણ કાળવા નદીના નવા નીર આવતા જુનાગઢ વાસીઓમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.
દીવ
દીવમાં સવારથી જ વરસાદનો પ્રારંભ થયો આ વરસાદ ધીમીધારે સતત રાત સુધી ચાલુ રહ્યો વરસાદની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં. વરસાદ વરસતા વાતાવરણ પણ ઠંડુ ગાર બન્યું વરસાદ વરસતા અમુક વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાયું હતું. ?
તળાજામાં દૂકાનોમાં પાણી ઘૂસ્યા: કાર ડુબી
ભાદરવો ભરપૂર સૂત્રને આજે તળાજા શહેર અને તાલુકાના મોટાભાગના ગામડાઓમાં વરસીને મેઘરાજાએ સાબિત કરીદીધુછે. હેલી સવારે 5 વાગ્યે ઝરમર વરસાદ શરૂથયો હતો.દોઢેક કલાક ઝરમર વરસ્યા બાદ વિરામ લીધોહતો. જોકે ગોરંભયેલ વાદળો ને લઈ હમણાં તૂટીપડશે તેવા વાતાવરણ વચ્ચે 10.50 મિનિટે અનરાધાર વરસવાનું શરૂકર્યું હતું.મેઘરાજા પોણી કલાકમાજ 44 મીમી એટલેકે પોણાબે ઈંચ વરસીગયા હતા. ધોધમાર વરસાદ ને પગલે અહીંના પાવઠીરોડપર ની દુકાનોમા પાણીઘુસી ગયાહતા.લાતી બજાર ની જે.વી ફરસાણ નામની દુકાનમા પાણી ઘુસીજતા વાસણો તરવા લાગ્યાહતા.છેક લક્ષ્મીનગર થી હઝરત અબ્બાસ ચોક સુધી એક થી અઢીફૂટ સુધી અને ડો.બલદાણીયા ની હોસ્પિટલ થી લાતી બજાર સુધી રસ્તાપર દોઢેક ફૂટ પાણી ભરાયાહતા. તો કેટલાક સ્થળે કાર ડૂબી હતી.
ચુડા પાસે કાર પાણીમાં તણાઈ ચાલક લાપતા : વ્યક્તિને બચાવાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ પંથકમાં વરસેલા ભારે વરસાદના કારણે માર્ગો પર ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં નોંધાયેલી દુર્ઘટનામાં સોનઠા અને કંથારિયા ગામ વચ્ચે આવેલા નાળા પરથી પસાર થતી કાર અચાનક ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. કારમાં સવાર 2 મુસાફરોનો સ્થાનિકોની મદદથી આબાદ બચાવ થયો છે, જ્યારે કાર ચાલક પાણીના વહેણમાં લાપતા થતાં શોધખોળ હાથ ધરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન થયેલા મૂશળધાર વરસાદથી સ્થાનિક નદી-નાળાઓ બંને કાંઠે વહેતા થયા છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થવાને લીધે ગ્રામીણ માર્ગો પર આવેલા કોઝવે અને નાળાઓ પર પાણી ફરી વળ્યા છે. મળતી માહિતી મુજબ ચુડાના ગલસાણા ગામની હોવાનું મનાતી એક કાર સોનઠાથી કંથારિયા તરફ જઈ રહી હતી. નાળા પરથી પાણી વહી રહ્યું હોવા છતાં ચાલકે વાહન આગળ હંકારવાનો પ્રયાસ કર્યો હતો. ક્ષણવારમાં જ પાણીના પ્રચંડ ધસમસતા પ્રવાહે કારને પોતાની લપેટમાં લઈ લીધી હતી અને કાર રસ્તા પરથી સરકીને ઊંડા ખાડા તરફ તણાવા લાગી હતી. કારમાં સવાર લોકોની ચીસાચીસ સાંભળી આસપાસના ખેતરોમાં હાજર ગ્રામજનો તાત્કાલિક બચાવ માટે દોડી આવ્યા હતા. કારમાં કુલ 3 વ્યક્તિઓ સવાર હતા, જેમાંથી 2 વ્યક્તિઓનો બચાવ થયો છે અને કાર ચાલકની શોધખોળ ચાલુ છે.
ગોંડલના અંડરબ્રીજમાં સ્કુલ બસ ફસાઈ
ગોંડલ માં ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસ્યો હોય લાલપુલ અંડર બ્રિજ નીચે પાણી ભરાતા એક સ્કૂલ બસ પુલનાં પાણીમાં ફસાઈ હતી. બસમાં સવાર બાળકોને સહી સલામત ખસેડવામાં આવ્યા હતા.બનાવનાં પગલે નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.પુલ નીચે અઢી ફૂટ પાણી ભરાયા હતા.ત્યારે પાણીના પ્રવાહમાં સ્કૂલ બસ નાખી ડ્રાઇવરે બેદરકારી દાખવી હતી.પરંતુ આસપાસમાં ઉભેલા લોકો મદદે દોડી બાળકો ને સલામત રીતે ઉતાર્યા હતા.