પોલીસે રૂ.5.82 લાખની રોકડ મળી રૂ. 18.42 લાખનો મુદામાલ કબ્જે કર્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે ગતરાત્રે બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામની સીમમાં એક આસામી દ્વારા ચલાવાતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરી, 17 શખ્સોને રૂપિયા 5.82 લાખની રકમ સહિત કુલ રૂ. 18.42 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.
સમગ્ર પ્રકરણ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ એલસીબી પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એમ.આર. સવસેટાની ટીમ દ્વારા ગતરાત્રે નાઈટ પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન ખંભાળિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ડાડુભાઈ જોગલ, કિશોરભાઈ નંદાણીયા અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામે રહેતા અનોપસિંહ બચુભા જાડેજા નામના શખ્સ દ્વારા તેની આ ગામમાં આથમણી પીપરવાડી સીમ વિસ્તારમાં આવેલી પોતાના કબજા ભોગવટાની વાડીએ આવેલા મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી અને તેઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવી રમાડતા જુગાર પર એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન પોલીસ અનોપસિંહ બચુભાઈ જાડેજા, સુરૂભા રૂપસંગ જાડેજા, જયેન્દ્રસીંહ ખીમાજી સોઢા, મહાવીરસીંહ જયેન્દ્રસીંહ વાઢેર, શૈલેન્દ્રસીંહ ગંભીરસીંહ જાડેજા, યોગેન્દ્રસીંહ ઉર્ફે વિરેન્દ્રસીંહ જામભા જાડેજા, નારૂભા મનુભા જાડેજા, જશુભા જોરૂભા જાડેજા, કરણજી વિભાજી જાડેજા, બળદેવસીંહ રવુભા જાડેજા, નિર્મળસીંહ પ્રવીણસીંહ જાડેજા, રાજભા કલુભા જાડેજા, અનિરુદ્ધસિંહ હેમતસીંહ ચુડાસમા, નરેન્દ્રસીંહ ભીખુભા પરમાર, પ્રતાપસીંહ પંચાણજી જાડેજા, વિક્રમસીંહ જીવુભા જાડેજા અને ભરતસીંહ રવુભા જાડેજા નામના 17 શખ્સોને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 5,81,900 ની રોકડ રકમ તથા રૂ.1,60,000 ની કિંમતના 17 નંગ મોબાઈલ ફોન, રૂ. 10,00,000 ની કિંમતની એક મોટરકાર અને રૂપિયા એક લાખની કિંમતના ચાર મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 18,41,900 નો મુદ્દામાલ કબજે કરી, આ સમગ્ર પ્રકરણ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં વિધિવત રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.