માલધારી પશુઓના ઘાસચારા માટે વૃક્ષ પર ચડ્યા હતાં
વિસાવદર પોલીસની એક સરાહનીય કામગીરી સામે આવી છે, વૃક્ષની ડાળીઓમાં ફસાયેલા એક પશુપાલકનું રેસ્ક્યુ કરી આબાદ બચાવ કર્યો છે. મળતી વિગતો અનુસાર, આજે બપોરે આશરે 14:30 વાગ્યાના સુમારે વિસાવદરના સીમતળ વિસ્તારમાં આવેલ મંડોરીયા પાસે પશુપાલક જેન્તીભાઈ જીણાભાઈ મકવાણા પોતાના માલઢોર ચરાવી રહ્યા હતા. આ દરમિયાન પશુઓને નીણ આપવા માટે તેઓ વૃક્ષના પાંદડા તોડવા ઝાડ પર ચઢ્યા હતા. વૃક્ષ પર ચઢતી વખતે અકસ્માતે તેમનો પગ લપસી જતાં તેઓ વૃક્ષની બે ડાળીઓ વચ્ચે માથાના ભાગે ગંભીર રીતે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ તેમના ભાઈ દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ ઈન્સ્પેક્ટર એચ. વી. પટેલ અને તેમની ટીમે જરૂરી સાધન-સામગ્રી સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે ઈજાગ્રસ્ત પશુપાલકને સફળતાપૂર્વક બહાર કાઢી, પોતાના સરકારી વાહનમાં તાત્કાલિક વિસાવદરના હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. આ બનાવની જાણ થતાં જ વિસાવદર મામલતદાર આર. એન. ખોડભાયા પણ ત્વરિત હોસ્પિટલ પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તને વધુ સારવારની જરૂર જણાતાં 108 મારફતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. પોલીસની આ સમય સૂચકતા અને ઝડપી રેસ્ક્યુ કામગીરીના કારણે પશુપાલકનો જીવ બચી ગયો છે.