Jai Hind

કલ્યાણપુરના મેવાસા ગામે ગેરકાયદેસર ખનીજ ખનન ઝડપાયું

એલસીબીની ટીમે ડમ્પર, હિટાચી મશીન કબ્જે કર્યું

કલ્યાણપુરના મેવાસા ગામે ધમધમતા ગેરકાયદે ખનીજ ખનન પર એલસીબીની ટીમે દરોડો પાડી ડમ્પર અને હિટાચી મશીન કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે કરવામાં આવેલી કાર્યવાહીમાં ગતરાત્રે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એલસીબી વિભાગના એએસઆઈ મુકેશભાઈ વાઘેલા, ખીમાણંદભાઈ આંબલીયા અને પીઠાભાઈ ગોજીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે રહેતો દેવશી સામત વરવારીયા નામનો શખ્સ ડમ્પર અને હિટાચી મશીન વડે મેવાસા ગામની ખાટલા ધાર સીમમાં આવેલા એક ખાનગી કંપનીના વિસ્તારમાં પડેલા બોકસાઈટનું ખનન કરી અને પોતાના માલિકીના કીલન ખાતે નાખતો હોવાની બાતમી પરથી એલસીબી પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી.
જે સંદર્ભે એલસીબીએ હિટાચી મશીન અને ટાટા કંપનીનું ડમ્પર ગેરકાયદેસર રીતે બોકસાઈટનું ગેરકાયદેસર ખનન અને વહન કરતા કબજે કર્યા છે. જે જગ્યાએથી બોકસાઈટનું ખનન કરી અને જે જગ્યાએ ખાલી કરવામાં આવતું, તે બંને સ્થળ સંદર્ભે જરૂરી કાર્યવાહી કરવા ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવતા ખાણ ખનીજ વિભાગ દ્વારા આ જથ્થો સીઝ કરવાની કાર્યવાહી કરાઈ હતી. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોષી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા ની ટીમ દ્વારા કરવામાં આવી હતી.