Jai Hind

કેવડા ત્રીજે દ્વારકામાં શારદાપીઠમાં બ્રહ્મલીન જગદગુરૂ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનો જન્મોત્સવ ઉજવાયો

ધાર્મિક અનુષ્ઠાનો સાથે ગુરુગાદી ખાતે ચંદ્રમૌલિશ્ર્વરનો રૂદ્રાભિષેક, સંતોના આશીર્વાદ સાથે ભંડારાનું આયોજન

કેવડા ત્રીજની પાવન તિથિ નિમિત્તે દ્વારકાની શારદાપીઠ ખાતે બ્રહ્મલીન દ્વારકા શારદાપીઠાધીશ્વર તથા જ્યોતિષ્પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજનો 102 મો જન્મોત્સવ ધાર્મિક માહોલ અને પરંપરાગત શ્રદ્ધાભાવ સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ શારદાપીઠ ખાતે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનો પ્રારંભ થયો હતો અને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.જન્મોત્સવ પ્રસંગે સવારે શારદાપીઠની ગુરુગાદી ખાતે ભગવાન શ્રી ચંદ્રમૌલિશ્વર મહાદેવનો વિશિષ્ટ રૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ-વિધાન સાથે યોજાયેલા આ અનુષ્ઠાનથી સમગ્ર શારદાપીઠ પરિસર ભક્તિમય બની ગયું હતું. આ ઉપરાંત દ્વારકાધીશજીના મુખ્ય મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય શંકરાચાર્ય મહારાજની પાદુકાનું વિધિવત્ પૂજન કરી બ્રહ્મલીન આચાર્યના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. બ્રહ્મચારી નારાયણાનંદજી મહારાજ દ્વારા બ્રહ્મલીન શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આ જન્મોત્સવની ઉજવણીમાં સંતો-મહંતોની ઉપસ્થિતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સંતોના આશીર્વાદ સાથે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સંતો, સાધુ-સંતો તથા શ્રદ્ધાળુઓએ પ્રસાદીનો લાભ લીધો હતો. કેવડા ત્રીજની પવિત્ર તિથિએ યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમોથી દ્વારકાની શારદાપીઠમાં સમગ્ર દિવસ દરમિયાન આધ્યાત્મિક વાતાવરણ છવાયેલું રહ્યું હતું. બ્રહ્મલીન જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજના જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા વિવિધ ધાર્મિક આયોજનોમાં ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.