Jai Hind

પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત જામનગર શહેરમાં વધુ 25 ઈ-બસનો પ્રારંભ

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન-જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન
જામનગર શહેરમાં હવે કુલ 50 ઈ-બસ દ્વારા 16 વિવિધ રૂટ પર જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ થશે

જામનગર શહેર માં નાગરિકોને આધુનિક, સુવિધાયુક્ત, સલામત તથા પર્યાવરણ ને અનુકૂળ જાહેર પરિવહન સેવા પૂરી પાડવા ના હેતુ થી ભારત સરકાર ની પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત વધુ 25 ઈલેક્ટ્રિક બસ સેવાનો પ્રારંભ સાંસદ સભ્ય પૂનમબેન માડમ ના હસ્તે કરવામાં આવ્યો હતો.
જેમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનીકાબેન વ્યાસ, ડે.મેયર રાકેશભાઈ ડેર, ચેરમેન ધિરેનકુમાર મોનાણી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, સભ્ય ઓ તેમજ ચૂંટાયેલ પાંખના પ્રતિનિધિની ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ કાર્યરત 25 ઈ-બસ સાથે હવે જામનગર શહેર માં કુલ 50 ઈ-બસો દ્વારા જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ બનશે.
જામનગર મહાનગરના વિવિધ વિસ્તારોને સુવ્યવસ્થિત રીતે જાહેર પરિવહનના નેટવર્ક સાથે જોડવા માટે કુલ 16 રૂટ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ રૂટ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારો ઉપરાંત રેલવે સ્ટેશન, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક વિસ્તારો, રહેણાંક વિસ્તારો તથા આસપાસના ગામોને જોડાણ મળી રહેશે.
નિર્ધારિત ઈ-બસરૂટ માં સાત રસ્તા સર્કલ થી જીવાપર ગામ , રામેશ્વરનગર થી મસીતીયા , સાત રસ્તા સર્કલ થી ચંગા ગામ, પટેલ સમાજ થી અલિયા ગામ , માધાપુર ભૂંગા થી ટાઉન હોલ , પોલિટેકનિક કોલેજ થી નારણપર ,હાપા રેલ્વે સ્ટેશન થી ગાંધીનગર રેલ્વે સ્ટેશન ,ગોકુલનગર થી ગાંધીનગર રેલ્વે સ્ટેશન .
સકર્યુલર રૂટ – સાત રસ્તા સર્કલ થી સાત રસ્તા સર્કલ, વાયા દરબારગઢ, દરબારગઢ થી દરેડ, આઈ.એન.એસ. વાલસુરાથી દરબારગઢ, ખિમલિયા ગામ થી દરબારગઢ, દરબારગઢ થી સમરસ હોસ્ટેલ ,સાત રસ્તા સર્કલ થી વિજરખી ગામ, એપલ ગેટ-1 થી મોટી ભલસાણ, ટાઉન હોલ થી નાઘેડી ગામ રૂટ ન સમાવેશ થાય છે.
ઈલેક્ટ્રિક બસોના સંચાલનથી શહેરમાં પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ જાહેર પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન મળશે. ઈ-બસો દ્વારા પરંપરાગત ઈંધણ આધારિત વાહનોની સરખામણીએ કાર્બન ઉત્સર્જન તથા વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવામાં સહાય મળશે. સાથે સાથે ઈલેક્ટ્રિક બસોના ઓછા અવાજને કારણે શહેરી વાતાવરણમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવામાં પણ યોગદાન મળશે,
શહેરમાં ઈ-બસ સેવાનું વિસ્તરણ થતાં વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ, મહિલાઓ, વડીલો તેમજ અન્ય નાગરિકોને તેમના દૈનિક અવરજવર માટે વિશ્વસનીય અને સુલભ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ થશે.
વિવિધ રહેણાંક વિસ્તારને શૈક્ષણિક સંસ્થાઓ, રેલવે સ્ટેશનો, ઔદ્યોગિક વિસ્તારો તથા શહેરના મહત્વના સ્થળો સાથે જોડતા રૂટના કારણે નાગરિકોની અવરજવર વધુ સુગમ બનશે. જાહેર પરિવહન સેવાના વિસ્તરણથી નાગરિકોને ખાનગી વાહનોના વિકલ્પરૂપે જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પ્રોત્સાહન મળશે.
જાહેર પરિવહન સેવાના વધુ વ્યાપક ઉપયોગથી શહેરમાં ખાનગી વાહનોની સંખ્યા અને તેના ઉપયોગ પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે. પરિણામે ટ્રાફિકનું ભારણ ઘટાડવા, ઇંધણની બચત તથા શહેરી માર્ગ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં ઈ-બસ સેવા મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત જામનગર શહેરમાં 50 ઈ-બસનું સંચાલન શરૂ થવું એ શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા ના આધુનિકીકરણ અને પર્યાવરણલક્ષી શહેરી વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. જામનગર મહાનગરના નાગરિકોને આ આધુનિક જાહેર પરિવહન સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરી સ્વચ્છ, હરિત, સુગમ અને ટકાઉ જામનગરના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.