Jai Hind

તાલાલા (ગીર) ખાતે તજજ્ઞો દ્વારા ભૂકંપની આપતી સામે પ્રતિરક્ષાનું અપાયું માર્ગદર્શન

તાલાલા ખાતે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ અંતર્ગતના સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા સુરક્ષા-ભૂકંપ પૂર્વતૈયારી, ભૂકંપીય જોખમ મૂલ્યાંકન અને માઇક્રોઝોનેશન અંગેની એક કાર્યશાળા યોજાઈ હતી.આ કાર્યશાળામાં તજજ્ઞો દ્વારા ભૂકંપ સમયે, ભૂકંપ પહેલા અને ભૂકંપ બાદ કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ તે અંગેનું વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના દ્રષ્ટિવંત નેતૃત્વ અને જનસેવાની ઉજવણીરૂપ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી આ કાર્યશાળા થકી તાલાલા અને તેની આસપાસના વિસ્તારના નાગરિકોમાં ભૂકંપ સામે જનજાગૃતિ અને આપત્તિ સામે પ્રતિકારનું માર્ગદર્શન મેળવવા માટે આ કાર્ય શાળા ઉપયોગી બની રહેશે.
આ તકે, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ પીઠિયાએ જણાવ્યું હતું કે, આ તાલીમના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, હિરણવેલ સહિત આસપાસના વિસ્તારોમાં ભૂકંપની શક્યતાને અનુલક્ષી જો નાના-મોટા આંચકાઓ અનુભવાય તો ભૂકંપ સામે લોકો અગાઉથી જાગૃત થશે.
સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના મહાનિર્દેશક દિગ્વિજયસિંહ જાડેજાએ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપનાના ઉદ્દેશ અને રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, તા. 26 જાન્યુઆરી, 2001ના રોજ ભુજ ( કચ્છ) માં આવેલા વિનાશક ભૂકંપે જે તારાજી વેરી હતી. તેમાંથી પ્રેરણા લઈને ભવિષ્યમાં આ પ્રકારનો ભૂકંપ આવે તો તેની અગાઉથી જાણકારી મળે અને તે અંગે સજ્જ રહેવાથી તેની તીવ્રતા ઘણા અંશે ઘટાડી શકાશે તેવા ઉદ્દેશ સાથે આ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરવામાં આવી હતી.કચ્છના વિનાશક ભૂકંપ બાદ ગુજરાતને કુદરતી આપત્તિઓ સામે સક્ષમ અને સુરક્ષિત બનાવવા તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વર્ષ 2003માં આ ઈન્સ્ટિટયૂટની સ્થાપના કરવામાં આવી હતી.આ સંસ્થા ધરતીકંપ સંશોધન ક્ષેત્રે દેશભરમાં અગ્રણી સંસ્થા બની રહી છે. આ સંસ્થા હેઠળ હાલમાં ગુજરાતમાં 110થી વધુ નિરીક્ષણ મથકોનું નેટવર્ક કાર્યરત છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ 17 સ્ટેશનો આવેલાં છે અને તે પૈકી 16 સ્ટેશનો ઓનલાઈન છે. જેમાં ગીર સોમનાથ વિસ્તારના ચિત્રાવડ ગીર અને ઉના જેવા વિસ્તારોના સ્ટેશનોનો પણ સમાવેશ થાય છે તેમણે વધુમાં જણાવ્યું હતું.તાલાલા અને ગીર સોમનાથ વિસ્તારમાં અવાર-નવાર અનુભવાતા નાના-નાના આંચકાઓની શ્રેણી એટલે કે ‘અર્થક્વેક સ્વાર્મ’ અંગે વૈજ્ઞાનિક અભિગમ સ્પષ્ટ કરતા તેમણે ઉમેર્યું હતું કે, નાના આંચકાઓ આવવાથી જમીનની અંદર રહેલી ઊર્જા ધીમે ધીમે મુક્ત થાય છે, જેનાથી મોટા ભૂકંપની શક્યતા ઘટી જાય છે. તેથી નાગરિકોએ ગભરાવાની કે અફવાઓ પર ધ્યાન આપવાની બિલકુલ જરૂર નથી.
કાર્યશાળાના સ્થળે ભૂકંપનું તિવ્રતા માપન, અર્થક્વેક મોનિટરિંગ,જીઓસિગ્મા,બ્રોડબેન્ડ સેન્ટર, અનાલોગ રેકોર્ડર, રેર્ડન મોનિટર સહિતના વૈજ્ઞાનિક સમજ આપતા પ્રદર્શનમાં નાગરિકોએ ભૂકંપથી કેવી રીતે રક્ષણ મેળવવું તેમ જ બચાવના પ્રયોગો આદરવા તેનું માર્ગદર્શન મેળવ્યું હતું.
આ કાર્યશાળામાં તાલાલા નગરપાલિકા પ્રમુખ શ્રી ભૂપતભાઈ હીરપરા, તાલાલા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિમલભાઈ વાડોદરિયા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચેતન ખટાણા, લોકવિજ્ઞાન કેન્દ્રના કાર્યકરો, અગ્રણીઓ, સ્થાનિક નાગરિકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, જિલ્લા વહીવટીતંત્ર તથા આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓ, સ્થાનિક સંસ્થાઓ, પોલીસ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ અને ગ્રામ પંચાયતોના પ્રતિનિધિઓ તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.