ચોરવાડ ઝુંડ ભવાની માતાજીના મેળામાં મેડિકલ કેમ્પ સહિતના આયોજનો
ચોરવાડ ઝુંડ ભવાની માતાજીના મેળામાં વેરાવળ સાગર પુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ નું લોકસેવા નું સરાહનીય આયોજન કરવામાં આવ્યું હતું.
ચોરવાડ નજીક આવેલા ઝુંડ ભવાની માતાજીના મંદિરના પટાંગણમાં વેરાવળ ખારવા સમાજની વર્ષો જૂની પરંપરા મુજબ તા. 9 થી 12 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ધાર્મિક મેળો અને ધ્વજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં સૌરાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ઝુંડ ભવાની માતાજીનો મેળો ખારવા સમાજની ઐતિહાસિક ધાર્મિક પરંપરા અને લોકસંસ્કૃતિ સાથે જોડાયેલો છે.
મેળાના પ્રસંગે વેરાવળ સાગર પુત્ર ફાઉન્ડેશન, ખારવા સમાજ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ લોક કલ્યાણકારી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. ફાઉન્ડેશન દ્વારા પાંચ દિવસ સુધી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પી.એસ.સી. તથા સિવિલ હોસ્પિટલ, વેરાવળના તબીબો અને આરોગ્ય કર્મીઓ દ્વારા શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર, દવાઓ અને જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ આ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.
મેળા દરમિયાન આગજનીની કોઈ ઘટના ન બને તે માટે ફાયર ફાઇટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર મળી રહે અને કોઈ ગંભીર અકસ્માત બને તો દર્દીને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકાય તે માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી.
ઉનાળાની ગરમી અને મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓને ધ્યાનમાં રાખીને પીવાના પાણી માટે પાણીનાં ટેન્કરો તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે પાણીના ટેન્કરોમાં નિયમિત રીતે ક્લોરિન નાખવાની કાળજી રાખવામાં આવી હતી. સ્વચ્છતા, આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને ફાઉન્ડેશન દ્વારા મેળા દરમિયાન ખૂબ જ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાગર પુત્ર ફાઉન્ડેશનના પટેલ દામજીભાઈ ફોફંડી, અધ્યક્ષ લખમણભાઈ ભેંસલા, ઉદ્યોગપતિ જગદીશભાઈ ફોફંડી, કિશનભાઈ ફોફંડી, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ, ઝુંડ ચોરવાડ ભવાની માતાજી મંદિરના આગેવાનો તથા ખારવા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉપપટેલ ગોવિંદભાઈ કુહાડા, ઉપપટેલ પદમભાઈ, કિરીટભાઈ ફોફંડી, સંજયભાઈ કુહાડા, વિજયભાઈ ડાલકી, નગરપાલિકા કાઉન્સિલર વિજયભાઈ માલમડી, પટેલ બાબુભાઈ ગોહેલ, લોધી જ્ઞાતિના આગેવાનો, સાગર પુત્ર ફાઉન્ડેશનની સમગ્ર ટીમ તથા બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ સહિતના આગેવાનો અને સેવાભાવી કાર્યકરો હાજર રહ્યા હતા.
મેળાના સુંદર આયોજન અને સફળ સંચાલન માટે બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ તથા ધીરુભાઈ મોતીવરસે વિશેષ જહેમત ઉઠાવી હતી. તેમની સાથે ફાઉન્ડેશનના કાર્યકરો, સ્વયંસેવકો, આરોગ્યકર્મીઓ, નગરપાલિકા તંત્ર તથા સમાજના આગેવાનોના સહયોગથી સમગ્ર મેળો શાંતિપૂર્ણ, સલામત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો. આ મેળા ના સહયોગી જન સમાજ સેવા સંઘ રમેશભાઈ મસાણી બ્લડ બેન્ક રહ્યા હતા.
વેરાવળ સાગર પુત્ર ફાઉન્ડેશન દ્વારા ધાર્મિક આસ્થા સાથે માનવસેવા અને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવતા ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને સમાજના આગેવાનો દ્વારા ફાઉન્ડેશન ની કામગીરીને આવકારેલ હોવાનું યાદી માં જણાવ્યું છે.