Jai Hind

પાળીયાદ પોલીસની મોટી કાર્યવાહી: બે વાહનોમાંથી રૂ.35.53 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

આઈસર ટ્રક અને બોલેરો, પિકઅપમાંથી દારૂ ઉપરાંત 13920 નૂડલ્સના કપ જપ્ત: કુલ રૂ. 63.19 લાખનો મુદ્દામાલ જપ્ત: આરોપીઓ ફરાર

બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદ દારૂની હેરાફેરી સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાળીયાદ પોલીસની ટીમે ગઢડીયા ગામની સીમમાં આવેલા જોગી ડુંગર વિસ્તારમાં દરોડો પાડી દારૂનો મોટો જથ્થો ભરેલો આઈસર ટ્રક તથા બોલેરો પીકઅપ વાહન ઝડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ જતા તેમને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર જિલ્લામાંથી દારૂની બદી નાબૂદ કરવાની કડક સુચના આપવામાં આવેલ હોય જે સૂચનાને લઈને પાળીયાદ પોલીસ સ્ટેશનના ઙઈં એન.પી. રાઠોડ અને ઙજઈં જી.જે. ગોહિલની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા ગઢડીયા ગામની સીમમાં આવેલા જોગી ડુંગર વિસ્તારમાં બાતમીના આધારે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમે સ્થળ પર તપાસ હાથ ધરતા એક આઈસર ટ્રક તથા બોલેરો પીકઅપ વાહન શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે બંને વાહનોની તપાસ કરતા આઈસર ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની શીલબંધ નાની-મોટી દારૂની કુલ 9,581 બોટલ તેમજ 2,753 બીયરના ટીન મળી આવ્યા હતા. આમ કુલ 12,334 નંગ દારૂ-બિયરનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ.35,53,882 હોવાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત આઈસર ટ્રકમાંથી મેગી કપ નૂડલ્સના 13,920 નંગ કપ, જેની કિંમત આશરે રૂ.7,65,600 હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે દારૂ-બિયર તથા અન્ય મુદ્દામાલ સાથે વાહનો પણ કબજે લઈ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં આઈસર ટ્રકની કિંમત રૂ.15,00,000 અને બોલેરો પીકઅપની કિંમત રૂ.5,00,000 મળી કુલ વાહનોની કિંમત રૂ.20 લાખ થાય છે. દારૂ-બિયર, નૂડલ્સ કપ અને બંને વાહનો સહિત પોલીસે કુલ રૂ.63,19,482નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં પાળીયાદ પોલીસ સ્ટેશનના ઙઈં એન.પી. રાઠોડ, ઙજઈં જી.જે. ગોહિલ તેમજ પોલીસ સ્ટાફના બુધેશભાઈ જોગવા, ગોવિંદભાઈ ગલચર, વિપુલભાઈ ચૌધરી, જયેશભાઈ ચૌહાણ, અજીતભાઈ ભોજક, ગોવિંદભાઈ ચૌહાણ સહિતના પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.