આગ્રામાં મોરારિબાપુની માનસ રામકથામાં ભાવિકો ઉમટયા
યમુના કિનારે આગ્રામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ’ઋષિ પંચમી’ લાભ વિરાટ સંખ્યામાં ભાવિકોને મળી રહ્યો છે. કથાના બીજા દિવસે ધર્મના નામે માતૃશક્તિનો તિરસ્કાર કરનાર સામે મોરારિબાપુએ રંજ વ્યક્ત કર્યો.
મોરારિબાપુના વ્યાસાસને ઉત્તરપ્રદેશમાં યમુના કિનારે આગ્રામાં રામકથા ’ઋષિ પંચમી’ ગાન લાભ મળી રહ્યો છે. કથાના બીજા દિવસે શ્રી મોરારિબાપુએ ઋષિ અને મુનિ સંદર્ભે ચિંતન વ્યાખ્યા પ્રસ્તુત કરી બંનેની ભૂમિકા મહત્વની તથા વંદનીય ગણાવી. ઋષિ સાથે પ્રતિષ્ઠા તત્ત્વ અને મુનિ સાથે નિષ્ઠા તત્ત્વ સંદર્ભે રસપ્રદ નિરૂપણ કરવાં સાથે મોરારિબાપુએ ઉમેર્યું કે, ઋષિ અને મુનિ બંને મળી જાય એટલે પરમ સાધુ પ્રાપ્ત થાય.
ક્થા પ્રારંભમાં વિવિધ વંદના સાથે તુલસીદાસજીએ કરેલ વંદનામાં પ્રારંભની માતૃશક્તિની વંદના પ્રસ્તુતિ કરી ટકોર કરી કે, રામકથા વાંચ્યા વગર તુલસીદાસજીને નારી નિંદક ગણાવી રહ્યાં છે. ધર્મના નામે માતૃશક્તિનો તિરસ્કાર કરનાર ધાર્મિક કેમ ગણવા.? આ પરિસ્થિતિ સામે મોરારિબાપુએ રંજ વ્યક્ત કર્યો અને ભારતીય સનાતન ચિંતન ધારામાં માતૃ વંદનાનું મહાત્મ્ય સજાવ્યું. આ સાથે જ ’જનક સુતા જગ જનની જાનકી, અતિસય પ્રિય કરુણાનિધાનકી…’ ઉલ્લેખ કરીને પુત્રી, માતા અને પત્નીના આ નિરૂપણમાં માતા માધ્યમ હોવાનું એટલે કેન્દ્રમાં રહ્યાનું જણાવ્યું. મોરારિબાપુના વ્યાસાસને આ રામકથા લાભ મળી રહ્યો છે, જેમાં સ્થાનિક સાથે ગુજરાત અને દેશના અન્ય પ્રાંતો ઉપરાંત વિદેશથી કથાપ્રેમી શ્રોતાઓ ઉમટ્યાં છે.