Jai Hind

રાણપુર તા.પં. કચેરીનું રિનોવેશન પુરૂ નથી થયુંં ત્યાં કલર કામ કરાયું !

લાખો રૂપીયાના ખર્ચે થતી રિનોવેશનની કામગીરી સામે સવાલો શૌચાલયોની હાલત જર્જરીત: તટસ્થ તપાસની લોક માંગણી

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા પંચાયત કચેરીમાં છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી રીનોવેશનની કામગીરીને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે. સરકાર દ્વારા તાલુકા પંચાયતના રીનોવેશન માટે આશરે રૂ.20 થી 25 લાખની રકમ ફાળવવામાં આવી હોવાની માહિતી વચ્ચે, કામગીરી જે રીતે થઈ રહી હોવાના આક્ષેપો છે તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તાલુકા પંચાયતની કચેરીમાં રીનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ કામગીરીનો યોગ્ય ક્રમ અને ગુણવત્તા અંગે શરૂઆતથી જ સવાલો ઊભા થયા છે. રીનોવેશનની કામગીરી શરૂ થઈ તેના ગણતરીના દિવસોમાં બે જ દિવસમાં આખી તાલુકા પંચાયત કચેરીમાં કલરકામ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. રીનોવેશનનું મુખ્ય કામ હજી પૂર્ણ થયું નથી અને બીજી તરફ કલરકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાની સ્થિતિને લઈને લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે કામ કરવાની આ કેવી રીત છે… સામાન્ય રીતે રીનોવેશન દરમિયાન જરૂરી તૂટફૂટ, મરામત, પ્લાસ્ટર, છતની સમસ્યા, દિવાલોની જરૂરી કામગીરી અને અન્ય સુધારકામ પૂર્ણ થયા બાદ અંતિમ તબક્કે કલરકામ થતું હોય છે. પરંતુ અહીં રીનોવેશન શરૂ થયા બાદ માત્ર બે દિવસમાં આખી તાલુકા પંચાયતનું કલરકામ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો થતાં કામગીરીની પદ્ધતિ સામે જ પ્રશ્નાર્થ સર્જાયો છે.સ્થાનિકોનો સવાલ છે કે ચાલુ રીનોવેશનની કામગીરી વચ્ચે જ કલરકામ શરૂ કરી દેવામાં આવ્યું અને માત્ર બે દિવસમાં સમગ્ર તાલુકા પંચાયત કચેરીનું કલરકામ પૂર્ણ કરી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. રીનોવેશનની કામગીરી હજી ચાલુ હોવા છતાં કલરકામ પૂર્ણ કરી દેવાની ઉતાવળ પાછળનું કારણ શું? કામગીરીનો યોગ્ય ક્રમ જાળવવામાં આવ્યો છે કે નહીં તે અંગે હવે સવાલો ઊભા થયા છે. રીનોવેશનના નામે લાખો રૂપિયાની કામગીરી ચાલી રહી હોવા છતાં તાલુકા પંચાયત કચેરીના શૌચાલયોમાં કોઈપણ પ્રકારનું રીનોવેશનનું કામ કરવામાં આવ્યું ન હોવાના આક્ષેપો સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યા છે. તાલુકા પંચાયતના શૌચાલય અત્યંત જર્જરીત અને બિસ્માર હાલતમાં હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આવી સ્થિતિમાં કચેરીમાં આવતા અરજદારો, કર્મચારીઓ અને મુલાકાતીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોનો સીધો સવાલ છે કે જો તાલુકા પંચાયત કચેરીના રીનોવેશન માટે આશરે રૂ.20 થી 25 લાખ ફાળવવામાં આવ્યા હોય તો અત્યંત જર્જરીત શૌચાલયોને રીનોવેશનની કામગીરીમાં કેમ આવરી લેવામાં આવ્યા નથી? રીનોવેશનની જરૂરિયાત ધરાવતા ભાગોને બાજુ પર રાખીને અન્ય જગ્યાએ કામગીરી કરવામાં આવી રહી છે કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે.. તાલુકા પંચાયત કચેરીમાં રીનોવેશનની કામગીરી ચાલી રહી હોવા છતાં વરસાદ દરમિયાન છતમાંથી પાણી પડતું હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. જો છતની સમસ્યા હજુ પણ યથાવત હોય તો રીનોવેશનના કામની ગુણવત્તા અને તેના વાસ્તવિક પરિણામ અંગે ગંભીર સવાલો ઉભા થાય તે સ્વાભાવિક છે.લોકો માંગ કરી રહ્યા છે કે માત્ર કાગળ પર કામગીરી પૂર્ણ બતાવવાને બદલે વાસ્તવિક સ્થળ પર જઈને કામની ગુણવત્તા ચકાસવામાં આવે. રીનોવેશનની કામગીરી દરમિયાન સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર નિયમિત દેખરેખ રાખવામાં આવે છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. રાણપુર તાલુકા પંચાયતના રીનોવેશનના કામ અંગે ઊભા થયેલા સવાલોને પગલે બોટાદ જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરવામાં આવે, સાથે સાથે કામમાં વપરાયેલી સામગ્રી, કામગીરીની માપણી, મંજૂર થયેલા કામો, થયેલો ખર્ચ અને બિલિંગ સહિતકની વિગતોની પણ યોગ્ય તપાસ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. સરકાર દ્વારા ફાળવવામાં આવતા નાણાં કોઈ વ્યક્તિના નહીં પરંતુ જાહેર જનતાના નાણાં છે. તેથી રાણપુર તાલુકા પંચાયતના રીનોવેશન માટે ફાળવવામાં આવેલા આશરે રૂ.20 થી 25 લાખનો એક-એક રૂપિયો યોગ્ય કામમાં અને મંજૂર થયેલા હેતુસર વપરાય તે જરૂરી છે.