Jai Hind

રાપરના ફતેહગઢમાં ધોળા દિવસે ફાયરીંગથી ચકચાર

ઇજાગ્રસ્તને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો: પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડયો

વાગડ પંથકના રાપર તાલુકાના ફતેહગઢ ગામે દિનદહાડે ધાણીફૂટ સામસામે થયેલા ફાયરિંગની ઘટનાથી ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. ભરચક વિસ્તારમાં અચાનક બંદૂકની ગોળીઓ છૂટતાં જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. એક વ્યક્તિને ગોળી વાગતાં ગંભીર ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને અધિકારીઓની ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકેબંધી કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે અને શાંતિ જાળવવા કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે.
દિનદહાડે થયેલા આ ફાયરિંગના બનાવથી રાપર સહિત સમગ્ર વાગડ પંથકમાં એક્સોટ હલચલ મચી જવા પામી છે. આ ફાયરિંગ કયા જૂના મનદુ:ખ કે વેરઝેરના કારણોસર થયું છે તેમજ બંને પક્ષે કેટલા લોકો આ સામસામે ફાયરિંગમાં સંકળાયેલા હતા, તે અંગેની સત્તાવાર માહિતી હજુ અકબંધ છે. પોલીસ દ્વારા ઈજાગ્રસ્તનું નિવેદન નોંધવા સાથે આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરીને આગળની કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.