Jai Hind

ધ્રાંગધ્રા જેસડા ગામની સીમમાંથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

રૂા. 8.89 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

ધ્રાંગધ્રા તાલુકા પોલીસે જેસડા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ચાર શખ્સોને પકડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઇલ અને વાહનો સહિત કુલ 8,89,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે જેસડા ગામની સીમમાં મંદિર પાછળ જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. દરોડામાં ભાવિનભાઈ જગદીશભાઈ માકાસણા, મનિષભાઈ અમરશીભાઈ ઝીંઝુવાડીયા, ગફારભાઈ મુસાભાઈ ભટ્ટી અને વિશાલભાઈ ઉર્ફે બંબુ જયેશભાઈ પરમારને પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી 14,200 રૂપિયા રોકડા, ચાર મોબાઇલ ફોન, બે ફોરવ્હીલ ગાડીઓ, એક ઈગૠ રિક્ષા અને સાત મોટરસાઇકલ સહિત કુલ 8,89,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્થળ પરથી 40 ગંજીપાના અને આંકડા લખેલું એક ચોપાનિયું પણ મળ્યું હતું.
પોલીસની રેડ દરમિયાન ભુપતભાઈ ચતુરભાઈ માકાસણા સહિત અન્ય સાત શખ્સો ભાગી છૂટ્યા હતા. પોલીસે ફરાર થયેલા આરોપીઓની ઓળખ કરીને તેમને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.