Jai Hind

હાય ગરીબી, આર્થિક સંકડામણથી પીડાતા પિતાએ દીકરીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી

સરકારના વિકસિત ભારતના સપના વચ્ચે કઠોર વાસ્તવિકતા
સાવરકુંડલાના હાડિડા ગામનો હૃદયદ્રાવક બનાવ: ઘટનાથી ગામમાં શોકનો માહોલ

સાવરકુંડલા તાલુકાના હાડિડા ગામે એક હૃદયદ્રાવક ઘટનામાં આર્થિક સંકડામણના કારણે સગા પિતાએ પોતાની જ પાંચ વર્ષની માસૂમ પુત્રીની કથિત રીતે હત્યા કર્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એક જ પરિવારના પિતા-પુત્રીના મોતથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાથમિક વિગતો મુજબ સાવરકુંડલા તાલુકાના હાડિડા ગામે રહેતા અને બાંધકામની સાઈડ ઉપર સુપરવાઈઝર તરીકે કામ કરતા કિશોરભાઈ નાથાભાઈ ઘાણક નામના ઈસમે ગઈકાલે પોતાની પત્નિ બહારગામ ગયેલ હોય અને પિતા પુત્રી એકલા ઘરે હતા. ત્યારે બપોરના 2 થી 6 વાગ્યા દરમિયાન પોતાના રહેણાંક મકાનમાં પોતાની પાંચ વર્ષની પુત્રી હિમાંશીનું મોં દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં પુત્રીના મોત બાદ કિશોરભાઈએ પણ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો તથા આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
આ બનાવની જાણ થતાં સાવરકુંડલા રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પિતા-પુત્રીના મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવમાં પુત્રીની માતા મંજુબેન કિશોરભાઈ ઘાણકની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક પોલીસ તપાસમાં આ કરુણ ઘટનાના મૂળમાં આર્થિક સંકડામણ હોવાનું સામે આવ્યું હોવાનું જાણવા મળે છે.જો કે, ઘટનાનું ચોક્કસ કારણ અને મૃત્યુ અંગેની હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસની વધુ તપાસ બાદ સ્પષ્ટ થશે.
કાળઝાળ મોંઘવારીના સમયમાં સામાન્ય પરિવાર માટે ઘરનું ગુજરાન ચલાવવું અને આર્થિક જવાબદારીઓ નિભાવવી મુશ્કેલ બની રહી છે. આવા સંજોગોમાં હાડિડા ગામે બનેલી આ ઘટનાએ આર્થિક મુશ્કેલીઓ વચ્ચે માનસિક દબાણ કેટલી ગંભીર સ્થિતિ સર્જી શકે છે તેનો કરુણ ચિતાર રજૂ કર્યો છે.
પાંચ વર્ષની માસૂમ હિમાંશીના મોતથી પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે પિતાના મોતથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો છે. નાનકડા હાડિડા ગામમાં એકસાથે પિતા-પુત્રીના મોતના સમાચાર પ્રસરી જતાં ગામમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
સાવરકુંડલા રૂરલ પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતના પુરાવા અને તપાસના આધારે ઘટનાની સમગ્ર હકીકત બહાર આવશે.

હત્યા કરી પિતાએ બાળકીના મૃતદેહને સમાધિ આપી હોય તે રીતે ફ્રીઝમાં મૂકેલો
બનાવ સ્થળેથી 5 વર્ષની દીકરી હિમાંશી ઉર્ફે દીકુ ગાયબ હોવાથી શોધખોળ શરુ કરાઈ હતી. ત્યારે બાળકીના મૃતદેહને ફ્રીજમાં બેસેલી અવસ્થામાં આ દીકરી મૃત હાલતમાં મળી આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આ દીકરીના મૃતદેહને સમાધિ આપી હોય એ રીતે આસન પર બેસાડી હતી અને ઢળી ન જાય એ માટે આજુબાજું ઓશિકાના ટેકા મૂક્યા છે. દીકરીના મોઢામાં તુલસી જેવું પાંદડું મૂક્યું છે. સાથે ગલગોટાના ફૂલનો હાર પહેરાવ્યો છે અને માથે માતાજીના ફોટાને ઓઢાવડવામાં આવે એવી ચૂંદડી ઓઢાડી છે.
ત્રણ સુસાઈડ નોટમાં દર્દનાક ખુલાસો
પોલીસને ઘટનાસ્થળેથી કિશોરભાઈએ લખેલી ત્રણ અલગ-અલગ સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઇડમાં તેમણે લખ્યું હતું કે, તેમના બાકી પૈસા ન મળતા આર્થિક તંગીથી કંટાળીને તેઓ આ પગલું ભરી રહ્યા છે. અને પોતાના મૃત્યુ પછી પોતાની વ્હાલસોયી દીકરી અનાથ અને દુ:ખી ન થાય તે માટે તેમણે દીકરીને પણ પતાવી દીધી હોવાની અને ફ્રિજમાં મૂકી હોવાની વિગતો લખી માફી માંગી હતી. તેમણે મહુવા ખાતે કરેલા કામના બાકી નીકળતા નાણાં તથા અન્ય ખર્ચના મળી આશરે 7 લાખ 25 હજાર લેવાના બાકી હતા. લાંબા સમયથી આ રકમ ન મળવાના કારણે અને પર્સનલ લોનનું ભારણ વધતાં પરિવાર ભારે નાણાકીય સંકટમાં મુકાયો હતો.