એસઓજીએ રૂા.15200ના હથિયાર કબજે કરી પુછપરછ હાથ ધરી
બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી તથા શંકાસ્પદ પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવા બોટાદ એસઓજી ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન મળેલી બાતમીના આધારે રાણપુર તાલુકાના ગુંદા ગામની સીમમાં વાડીમાંથી એક શખ્સને ગેરકાયદેસર હથિયારો તથા જીવતા કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી તથા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ઈંઙજ ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો, દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સામે કાર્યવાહી કરવા પોલીસ તંત્રને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ અનુસંધાને બોટાદ એસઓજી શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ડાવરા તથા દિલીપસિંહ મહોબતસિંહ ટાંક, પરાક્રમસિંહ અનોપસિંહ ઝાલા, યુવરાજસિંહ અમરસંગભાઈ પરમાર, યોગેન્દ્રસિંહ હનુભા સરવૈયા તથા અજીતસિંહ અશોકસિંહ ગોહિલ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ રોકવા માટે પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન પોલીસ કર્મચારી યુવરાજસિંહ અમરસંગભાઈ પરમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાણપુર તાલુકાના ગુંદા ગામનો શિવરાજભાઈ બયુભાઈ ખાયણ નામનો શખ્સ પોતાની વાડીમાં ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો તથા દેશી બનાવટની પિસ્તોલ છુપાવી રાખે છે.
બાતમી મળતાં એસઓજીટીમે મળેલી માહિતીના આધારે ગુંદા-ચારણકી રોડથી અંદર આવેલા ગુંદા ગામની સીમ વિસ્તારમાં આવેલી શિવરાજભાઈ બયુભાઈ ખાયણની વાડીમાં તપાસ હાથ ધરી હતી. પોલીસને શખ્સ હાજર મળી આવતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ પંચોની હાજરીમાં તેની વાડીમાં તપાસ કરતાં ઓરડીમાંથી એક હાથ બનાવટનો દેશી તમંચો (અગ્નિશસ્ત્ર), એક હાથ બનાવટની દેશી પિસ્તોલ તથા એક જીવતો કારતૂસ મળી આવ્યો હતો.પોલીસે હથિયારો અને કારતૂસ કબજે કરી આરોપી શિવરાજભાઈ બયુભાઈ ખાચર વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રૂ. 15,200 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.