પોલીસે બન્ને બાળકનાં વાલીને બોલાવી કાર્યવાહી કરી
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં તાજેતરમાં ચાર દિવસીય લોકમેળાના આયોજનો થયા હતા. જેમાં સમયાંતરે બે મોટરસાયકલની ચોરી થયાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. કુલ રૂપિયા 40,000 ની કિંમતના બે સ્પ્લેન્ડર મોટરસાયકલની ઉઠાંતરી અંગેના આ બનાવ અંગે સંદર્ભે અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી મીત રુદલાલના માર્ગદર્શન હેઠળ અહીંના પી.આઈ. સી.આર. રાણા તેમજ તેમની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
જેને અનુલક્ષીને ખંભાળિયા પોલીસ મથકના પી.એસ.આઈ. જે.ટી. ચાવડા તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ખંભાળિયા – સલાયા માર્ગ પર હરીપર રોડ વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલ પાસેથી બે મોટરસાયકલ લઈને નીકળેલા બે શખ્સોને અટકાવીને પૂછપરછ કરતા ઉપરોક્ત ચોરીના બે મોટરસાયકલ અંગેનો ભેદ ખુલવા પામ્યો હતો.
પોલીસની પૂછતાછમાં આ બંને શખ્સો કાયદાથી સંઘર્ષિત કિશોર હોવાનું જણાતા પોલીસે તે બંનેના વાલીઓને બોલાવી, કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. સી.આર. રાણા, પી.એસ.આઈ. જે.ટી. ચાવડા, હેમતભાઈ નંદાણીયા, હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા વિગેરેની ટીમ દ્વારા કરવામાં આવી હતી.