Jai Hind

ઉના બાયપાસ રોડ પર વનરાજની લટાર! રસ્તા પર સિંહને જોઈ વાહનચાલકો થંભ્યા

તપોવન આશ્રમ રોડ પર રાત્રે સિંહની અવરજવર , વન વિભાગના પેટ્રોલિંગ સામે સવાલો

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર નજીક વનરાજની અવરજવર હવે મુખ્ય રસ્તાઓ સુધી જોવા મળી રહી છે. ઉના શહેરથી માત્ર પાંચ કિલોમીટર દૂર તપોવન આશ્રમ તરફ જતા બાયપાસ રોડ પર રાત્રિના સમયે એક સિંહ જોવા મળતાં વાહનચાલકોમાં આશ્ચર્ય સાથે સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો. રસ્તાની બાજુ માં બેઠેલો સિંહ અચાનક ઊભો થઈ વાહનોની અવર જવર વચ્ચે રસ્તા પર લટાર મારવા લાગ્યો હતો. સિંહ ને રસ્તા પર ચાલતો જોઈ વાહનચાલકોએ પોતાના વાહનો રોકી દીધા હતા
ઉનાઅનેઆસપાસનો વિસ્તાર ગીરના સિંહોના વસવાટ માટેજાણીતો છે.જંગલ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો, ખેતરો અને માર્ગોની આસપાસ પણ અવારનવાર સિંહોની અવરજવર જોવા મળે છે.જોકે, શહેર નજીકના બાયપાસ રોડ પર વાહનોની અવરજવર વચ્ચે સિંહ જોવા મળતાં વન્યજીવોની સુરક્ષા અને માર્ગ સલામતી નો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.બાયપાસ રોડ જેવા વાહનવ્યવહારથી ધમધમતા માર્ગ પર સિંહની અવરજવર સામે વન વિભાગ દ્વારા કરવામાં આવતી દેખરેખ અને પેટ્રોલિંગ અંગે સવાલો ઊભા થયા છે. રાત્રિના સમયે મુખ્ય માર્ગો પર સિંહો પસાર થતા હોય ત્યારે વાહનચાલકો અને વન્યજીવો બંનેની સુરક્ષા જળવાય તે માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે.
ઝડપથી પસાર થતાં વાહનોની અડફેટે સિંહ આવી જવાની શક્યતા રહે છે. બીજી તરફ, અચાનક રસ્તા પર સિંહ આવી જતાં વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. અગાઉ પણ હાઈવે પર સિંહ જોવા મળ્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે આવા સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ વધારવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.
ઉના બાયપાસ અને તપોવન આશ્રમ તરફના માર્ગ પર સિંહોની અવરજવર રહેતી હોય તો વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ, સંવેદનશીલ સ્થળોએ દેખરેખ અને વાહનચાલકોને સાવચેતી અંગે માર્ગદર્શન આપવું જરૂરી છે.સિંહના સંરક્ષણની સાથે માર્ગ પરથી પસાર થતાં લોકોની સુરક્ષા પણ જળવાઈ રહે તે માટે વન વિભાગ દ્વારા યોગ્ય તકેદારી રાખવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે. રાત્રિના સમયે સિંહની અવરજવરવાળા માર્ગો પર વાહનચાલકોએ પણ ઝડપ નિયંત્રિત રાખી સાવચેતીપૂર્વક વાહન ચલાવવું જરૂરી છે.