ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસની ઉજવણી કરાઈ
કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય દ્વારા શનિવારે ઓખામાં આવેલા સીજી બીચ ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસની ઉજવણી માટે દરિયાકાંઠા સફાઈ અભિયાનનું આયોજન કર્યું હતું. જે સહયોગી સમુદાય કાર્યવાહી દ્વારા આપણા દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને રક્ષણ માટે વૈશ્વિક પહેલનો ભાગ છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રતિષ્ઠિત મુખ્ય મહેમાન વિક્રાંત દેવરસ (સાઇટ અને મેન્યુફેક્ચરિંગ હેડ, ટાટા કેમિકલ્સ લિમિટેડ, મીઠાપુર) અને વિશેષ અતિથિ ડો. પ્રભાકરન પાલેરી (ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ, ભારતીય કોસ્ટ ગાર્ડ) દ્વારા કરવામાં આવ્યું હતું. પર્યાવરણીય સંરક્ષણ પ્રત્યેના તેમના નેતૃત્વ અને પ્રતિબદ્ધતાએ ઉપસ્થિત તમામ લોકોને સ્વચ્છ દરિયાકાંઠા અને સુરક્ષિત સમુદ્રો માટે સામૂહિક જવાબદારી લેવા પ્રેરણા આપી. ભારતીય કોસ્ટ ગાર્ડની અડગ પ્રતિબદ્ધતા દર્શાવતા, કોસ્ટ ગાર્ડ સ્ટેશન ઓખા અને કમાન્ડ હેઠળના એકમો, આઈ.સી.જી.એસ. જખૌ, વાડીનાર અને મુન્દ્રાના કર્મચારીઓએ સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો, મરીન પોલીસ, નાગરિક સમાજના સભ્યો, અન્ય એજન્સીઓ, સંગઠનો અને સંસ્થાઓની સક્રિય ભાગીદારી સાથે આ વિશાળ પ્રયાસમાં ભાગ લીધો હતો. આ અભિયાનની શરૂઆત મુખ્ય મહેમાનો દ્વારા રિબન કાપીને અને “સ્વચ્છ સમુદ્ર, સલામત સમુદ્ર” માટે પ્રતિજ્ઞા લઈને થઈ હતી. સફાઈ ટીમોએ સવારે દરિયા કિનારાની સફાઈ શરૂ કરી હતી, જેમાં ઓખા ખાતે ઈૠ લેન્ડને અડીને આવેલા વિસ્તાર, જખૌ ખાતે પિંગ્લેશ્વર બીચ, વાડીનાર ખાતે ડી.પી.એ. ગેટથી નારારા બેટ અને મુન્દ્રા ખાતે લુણી બીચ, લગભગ 8 કિમી સુધીનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો – બે કલાકમાં આશરે 820 કિલો કચરો એકત્રિત કરીને જવાબદારીપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. જેના નિકાલ માટે તમામ કચરો મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો હતો.