શેરડી-ગોળ ઉત્પાદક ખેડૂતોના મહત્વના નિર્ણયો માટે બેઠક મળી
ગીર સોમનાથ જિલ્લા શેરડી તથા ગોળ ઉત્પાદક ખેડૂત મંડળની સામાન્ય સભા કોડીનારના બાપેશ્વર મંદિર ખાતે મંડળના પ્રમુખ બાલુભાઈ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં શેરડીની ખરીદી, ગોળનું ઉત્પાદન તથા વેચાણ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી નીતિવિષયક નિર્ણયો લેવામાં આવ્યા હતા.
ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે અન્ય અછતગ્રસ્ત વિસ્તારોની જરૂરિયાત પૂરી કરવા માટે અંદાજે 50 હજાર ટન જેટલી શેરડી ઘાસચારા તરીકે ઉપયોગમાં લેવાઈ હોવાનું બેઠકમાં જણાવાયું હતું. બીજી તરફ ઓછા વરસાદના કારણે શેરડીના પાકમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું હોવા અંગે પણ ખેડૂતો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ ઉપરાંત ચાલુ સિઝનમાં આઈ.પી.એલ. કંપની દ્વારા બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફેક્ટરી શરૂ થતાં શેરડીની ખરીદી અને બજાર પર તેની અસર અંગે પણ ચર્ચા થઈ હતી. સાથે જ ગત સિઝનનો કોલ્ડ સ્ટોરેજમાં પડેલો આશરે સાત લાખ ડબ્બા જેટલો ગોળનો જથ્થો હજુ ઉપલબ્ધ હોવાથી નવો ગોળ બજારમાં આવતાં ભાવ પર દબાણ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગોળ ઉત્પાદક ખેડૂતોને શેરડીની ખરીદી અને ગોળ ઉત્પાદન બાબતે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી.
બેઠકમાં કોડીનારની વર્ષો જૂની એ.સી. એન્ડ કંપની પેઢી આર્થિક રીતે કાચી પડવાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. પેઢીના માલિક દ્વારા ગોળના રાબડા ચલાવતા ખેડૂતો સાથે આશરે રૂ. ચાર કરોડથી વધુની રકમની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરાયો હોવાના આક્ષેપો અંગે ચર્ચા બાદ, પેઢીના માલિકોને કોઈપણ રાબડાવાળા ખેડૂતે ગોળનો માલ ન આપવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન ગીર સોમનાથ જિલ્લા શેરડી તથા ગોળ ઉત્પાદક ખેડૂત મંડળની નવી કારોબારીની રચના પણ કરવામાં આવી હતી. વર્ષોથી મંડળના પ્રમુખ તરીકે સેવા આપી રહેલા બાલુભાઈ જેમાભાઈ ગોહિલ (પીપળી) ને પ્રમુખ તરીકે યથાવત્ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.જ્યારે ઉપપ્રમુખ તરીકે રાયસિંગભાઈ ઝાલા (ફાચરીયા), મંત્રી તરીકે માનસિંહભાઈ મોરી (દેવળી) અને ખજાનચી તરીકે રઘુભાઈ રાઠોડ (દુદાણા)ની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય 16 સભ્યોની કારોબારી સભ્યો તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના શેરડી તથા ગોળ ઉત્પાદક ખેડૂતો, ગોળના વેપારીઓ અને કોલ્ડ સ્ટોરેજના માલિકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
