બામણાસા ઘેડમાં આર્મીમેને કરેલા હુમલામાં ઘાયલ વૃધ્ધનું સારવારમાં મોત

બનાવ હત્યામાં પલટાયો: કેશોદ પોલીસે ખૂનની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી

કેશોદના બામણાસા ઘેડ ગામે જૂની અદાવતમાં થયેલા જીવલેણ હુમલાની ઘટનામાં મોટો વળાંક આવ્યો છે. કેશોદ તાલુકાના જોનપુર વીડીમાં રીક્ષા આંતરીને 62 વર્ષીય વૃદ્ધ પર લોખંડના પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કરનાર આર્મીમેનના હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. ત્યારે કેશોદ પોલીસે આ ગુનામાં ખૂનની કલમનો ઉમેરો કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ ચકચારી ઘટનાની પોલીસ દ્વારા અપાયેલ માહિતી મુજબ, કેશોદના બામણાસા ઘેડ ગામે રહેતા 62 વર્ષીય દેવાયતભાઈ મંગાભાઈ માકડીયા કોર્ટની તારીખમાં હાજરી આપીને રીક્ષામાં બામણાસા ઘેડ પરત ફરી રહ્યા હતા. ત્યારે જોનપુર ગામની વીડી વિસ્તારમાં બામણાસા ગામનો જ આરોપી આર્મીમેન ઇન્દ્રેશ અરજણભાઈ વડીયાતરે બાઈક આડી નાખી, રીક્ષા રોકાવી હતી અને જૂની અદાવતનો ખાર રાખી લોખંડના પાઇપ અને છરી વડે વૃદ્ધ ઉપર બેરહેમીપૂર્વક જીવલેણ હુમલો કર્યો હતો.
આ હુમલામાં વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક કેશોદ બાદ જુનાગઢ સરકારી હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન દેવાયતભાઈ મંગાભાઈ માકડીયાનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે જે તે સમયે મૃતકના પુત્ર લલીતભાઈ માકડીયાની ફરિયાદ આધારે, કેશોદ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન કેશોદ પોલીસે આરોપી આર્મીમેન ઇન્દ્રેશ વડીયાતરને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જુનાગઢ જેલ હવાલે કરવા આદેશ કર્યો હતો. અને હાલમાં આરોપી જેલ હવાલે છે. આ ઘટનાની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.આર. વાજા ચલાવી રહ્યા છે.
આર્મીમેન દ્વારા ગામના જ વૃદ્ધ પર કરાયેલા આ હુમલા બાદ થયેલા મોતથી બામણાસા ઘેડ ગામમાં શોકનો માહોલ છવાયો છે.
કેશોદના ઇન્ચાર્જ ડીવાયએસપી. હિતેષ ધાંધલિયાના જણાવ્યા મુજબ, વૃદ્ધનું મોત નીપજતા પોલીસે આ કેસમાં ખૂનની કલમ 103(1) બીએનએસનો ઉમેરો કરવા માટે કોર્ટ સમક્ષ અરજી કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તથા કોર્ટ સમક્ષ અગાઉ ચાર્જશીટ રજૂ થયેલ હોવાથી હવે તેમાં ખૂનની કલમ ઉમેરવા અરજી કરાશે.

રિલેટેડ ન્યૂઝ