દ્વારકા જિલ્લામાં એલસીબી પોલીસે રવિવારે જુદા જુદા સ્થળે દરોડા પાડી જુગાર રમતા 27 જુગારીઓને ઝડપી લીધા હતા. અને રૂ.3.45.380નો મુદામાલ જપ્ત કર્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે રવિવારે કરેલી જુગાર દરોડા અંગેની કાર્યવાહીમાં ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા પ્રફુલસિંહ મોતીભા જાડેજા, પ્રવિણસિંહ અમરસિંહ જાડેજા, અર્જુનસિંહ ધીરુભા જાડેજા અને સંજયસિંહ ધીરુભા જાડેજા નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રૂ. 30,500 ની રોકડ રકમ, રૂ. 40 હજારની કિંમતના ચાર મોબાઈલ ફોન અને રૂ. 20,000 ની કિંમતનું એક મોટરસાયકલ મળી કુલ રૂ. 90,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કલ્યાણપુર પોલીસની કાર્યવાહીમાં કલ્યાણપુરથી આશરે 16 કિલોમીટર દૂર હડમતીયા ગામે આવેલી નદીના કાંઠે બેસીને રાત્રિના આશરે સવા બે વાગ્યે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાલા નગા આંબલીયા, રાજશી જેઠા આંબલીયા, જેઠા વજસી વરુ, નિતેશ ભીખા લગારીયા, વજસી પરબત આંબલીયા, કરશન વેજાણંદ વરુ, નિલેશ દેવા વરુ અને રામ રામદે લુવા નામના આઠ શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂ. 52,200 રકમ, રૂ. 13,000 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને રૂ. 60 હજારની કિંમતના ચાર મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 125,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભાણવડ પોલીસે ફોટડી ગામના સીમ વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમતા હેમત માલદે બેરા, કરસન મારખી બેરા, કેશુ ધીરુ બેરા, લાખા દેવશી બેરા અશોક મારખી વાઢીયા અને પબા કરશન ગાગીયાને ઝડપી લઇ, કુલ રૂપિયા 1,07,000 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
અન્ય એક કાર્યવાહીમાં ભાણવડ તાલુકાના શિવા ગામના વાડી વિસ્તારમાંથી પ્રવીણ જેતા જોગલ અને સેજા હમીર મકવાણાને પોલીસે જુગાર રમતા રૂ. 2480 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. મીઠાપુર પોલીસની કાર્યવાહીમાં ભીમરાણા ગામેથી રાત્રિના આશરે 12:30 વાગ્યે ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા જીણા બિજલ ચૌહાણ, ધનજી જીવરાજ વાઘેલા, બાબુ પોલા ચૌહાણ, છગન ગોવા ચૌહાણ, લખમણ જગમાલ ચૌહાણ, અજય મંગા ચૌહાણ અને શરીફાબેન બાબુભાઈ મકવાણા નામની સાત વ્યક્તિઓને પોલીસે ઝડપી લઇ, કુલ રૂ. 20,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.