Jai Hind

ઓખા નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ભાજપ દ્વારા ચૂંટણી પ્રભારીની નિમણૂક

ચૂંટણી સંયોજક સહસંયોજક અને ચૂંટણી ઇન્ચાર્જ નિમાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ભાડથર જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી સંદર્ભે ભાજપ દ્વારા ચૂંટણી પ્રભારી, સંયોજક, સહસંયોજક અને ચૂંટણી ઇન્ચાર્જ તરીકેની નિમણૂકો કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની અને “અ” વર્ગની ઓખા નગરપાલિકાની ચૂંટણી આગામી તારીખ 11 ઓક્ટોબરના રોજ મુકરર કરવામાં આવી છે. આ સાથે ભાડથર જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે પણ મતદાન પ્રક્રિયા હાથ ધરાનાર છે. ત્યારે ભાજપ દ્વારા ઓખા નગરપાલિકાની ચૂંટણીના પ્રભારી તરીકે જામનગરના પૂર્વ શહેર મહામંત્રી તેમજ પૂર્વ કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે આ સાથે ચૂંટણી સંયોજક તરીકે જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલાભાઈ કરમુર તેમજ ચૂંટણી સહ સંયોજક તરીકે સિનિયર કાર્યકર સહદેવસિંહ માણેકને જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત ખંભાળિયા તાલુકાની ભાડથર જિલ્લા પંચાયતની ચૂંટણીના ઈન્ચાર્જ તરીકે ખંભાળિયા તાલુકા મંડળના પૂર્વ અધ્યક્ષ કશ્યપભાઈ આહીરની નિમણૂક કરવામાં આવી છે.
આગામી દિવસોમાં ચૂંટણીના ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા હાથ ધરાનાર છે. ત્યારે આવતીકાલે મંગળવાર તા. 22 ના રોજ ઓખા નગરપાલિકાની ચૂંટણી માટેની સેન્સ પ્રક્રિયા સવારે 10 વાગ્યે ઓખામાં આવેલી લોહાણા મહાજન વાડી ખાતે યોજવામાં આવનાર છે. આ સાથે આવતીકાલે મંગળવારે સાંજે 5 થી 5:30 વાગ્યા સુધી ભાડથર જિલ્લા પંચાયત બેઠકમાં ચૂંટણી લડવાની ઈચ્છા ઉમેદવારો માટેની ચૂંટણી પ્રક્રિયા ખંભાળિયામાં જિલ્લા ભાજપ કાર્યાલય “દ્વારકેશ કમલમ” ખાતે યોજાનાર છે. આ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષક તરીકે હસમુખભાઈ હિંડોચા, કિરણભાઈ પુરોહિત અને ભાવનાબેન હિરપરા ઉપસ્થિત રહેનાર છે.
આગામી માસમાં યોજાનારી ઓખા નગરપાલિકા અને જિલ્લા પંચાયતની આ ચૂંટણી માટે હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.