Jai Hind

કેશોદ પોલીસે ઝડપી પાડેલ 24.39 લાખનો 7 હજાર વિદેશી દારૂની બોટલોનો નાશ કરાયો

નાયબ કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર, પીઆઈ સહિત અધિકારીઓની હાજરીમાં હાથ ધરાઇ કામગીરી

કેશોદ પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ ગુનાઓમાં કબજે કરવામાં આવેલ અંદાજિત રૂા. 24,39,000 ની કિંમતની કુલ 7,000 બોટલ વિદેશી દારૂ નાશ કરવામાં આવ્યો છે. કોર્ટના હુકમ બાદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં રચાયેલી કમિટી દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અને પોલીસે અલગ-અલગ સ્થળોએ કરેલી રેઇડ અને વાહન ચેકિંગ દરમિયાન અંદાજિત રૂા. 24,39,000 ની કિંમતની કુલ 7,000 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જે છેલ્લા ઘણા સમયથી પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં જમા હતો. ત્યારે પ્રોહીબીશન એક્ટ મુજબ જપ્ત કરાયેલ દારૂનો નાશ કરવા માટે કેશોદ પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્તને ધ્યાને લઈને કોર્ટ દ્વારા દારૂના નાશ કરવા હુકમ કરવામાં આવતા, સરકારના નિયમ અનુસાર નાયબ કલેક્ટર અને ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીના વડા તરીકે કેશોદના નાયબ કલેક્ટર આર.આર. ઠુમર તેમજ સભ્યોમાં ઈન્ચાર્જ ડીવાયએસપી હિતેશભાઈ ધાધલીયા, કેશોદ મામલતદાર મહેતા, કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ડી ચૌધરી તથા અધિકારીઓ હાજર રહ્યા હતા. અને અધિકારીઓની હાજરીમાં કેશોદ નજીકના નિયત કરાયેલા ખુલ્લા સ્થળે જેસીબી મશીન દ્વારા ખાડો ખોદી, તમામ 7,000 બોટલો ફોડીને દારૂ જમીનમાં વહાવી દઈ તેનો નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયાનું પંચનામું કરવામાં આવ્યું હતું.