યુવાધન બરબાદીના માર્ગે છતાં તંત્ર નિંદ્રાધિન અવસ્થામાં?
હળવદ હાઇવે પર છેલ્લા કેટલાક સમયથી મસાજ પાર્લર અને સ્પા સેન્ટરોનો રાફડો ફાટ્યો છે. સુખ-સુવિધા અને થેરાપીના ઓઠા હેઠળ શરૂ થયેલા આ સેન્ટરોમાંથી મોટાભાગના સેન્ટરો માત્ર કાગળ પર જ કાયદેસર છે, જ્યારે વાસ્તવિકતામાં ત્યાં સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાની ઉગ્ર ચર્ચા સ્થાનિક લોકમુખે સંભળાઈ રહી છે. જવાબદાર તંત્રની રહસ્યમય નિષ્ક્રિયતા અને પડદા પાછળ સક્રિય વગદાર મોટા માથાઓની સંડોવણીના કારણે આ ગેરકાયદે પ્રવૃત્તિઓ કોઈ પણ ડર વગર ધમધમી રહી હોવાના ગંભીર આક્ષેપો પણ લોકો લગાવી રહ્યા છે. ગુજરાત સરકારના દ્વારા સ્પા અને મસાજ પાર્લર ચલાવવા માટે અત્યંત કડક માર્ગદર્શિકા અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સ્પા કે મસાજ સર્વિસ બંધ રૂમમાં આપી શકાતી નથી. થેરાપી રૂમના દરવાજા પર અંદરથી લોક કે બોલ્ટ મારવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને ત્યાં બહારથી જોઈ શકાય તેવી કાચની પારદર્શક વિન્ડો રાખવી ફરજિયાત છે.
સ્પાના માલિક, સંચાલક અને ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓ (ખાસ કરીને પરપ્રાંતીય કે વિદેશી યુવતીઓ) ના ફોટોગ્રાફ્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને કેરેક્ટર સર્ટિફિકેટ (ચરિત્ર પ્રમાણપત્ર) સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરજિયાત નોંધણી કરાવવાની હોય છે. સ્પાના એન્ટ્રી ગેટ, રિસેપ્શન અને મુખ્ય કોરિડોરમાં 24 કલાક ચાલુ રહે તેવા અને હાઇ-ડેફિનેશન સીસીટીવી કેમેરા હોવા અનિવાર્ય છે, જેનું રેકોર્ડિંગ પોલીસ ગમે ત્યારે તપાસી શકે. સ્ત્રી અને પુરુષ ગ્રાહકો માટે અલગ-અલગ ચેન્જિંગ રૂમ અને મસાજ એરિયા હોવો જરૂરી છે.
સ્પામાં કામ કરતા તમામ થેરાપિસ્ટ પાસે ગવર્મેન્ટ માન્ય સંસ્થા અથવા રજીસ્ટર્ડ બોડીનું એનાટોમી (શરીર વિજ્ઞાન) અને મસાજ થેરાપીનું સર્ટિફિકેટ કે ડિપ્લોમા હોવું ફરજિયાત છે. સ્પામાં કામ કરતા સ્ટાફનું નિયમિત અંતરે સરકારી હોસ્પિટલ દ્વારા મેડિકલ ચેકઅપ થયેલું હોવું જોઈએ અને તેઓ કોઈ પણ ચેપી રોગથી મુક્ત છે તેવું ફિટનેસ સર્ટિફિકેટ રાખવું અનિવાર્ય છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં ક્રોસ જેન્ડર મસાજ (એટલે કે પુરુષ ગ્રાહકને સ્ત્રી થેરાપિસ્ટ દ્વારા મસાજ આપવો) પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સ્ત્રી ગ્રાહક માટે સ્ત્રી થેરાપિસ્ટ અને પુરુષ ગ્રાહક માટે પુરુષ થેરાપિસ્ટ હોવા અનિવાર્ય છે. જ્યારે હળવદ- હાઇવે પર ચાલતા આ સેન્ટરો ઉપર નિયમોનું સરેઆમ ઉલ્લંઘન અને ગ્રાઉન્ડ રિયાલિટી દર્શાવેલા નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા હોવાની બૂમો ઉઠી છે: