રાતિધાર ગીર ગામે ખૂની ખેલ ખેલાયો; પોલીસે હત્યારાની ધરપકડ કરી
તાલાલા તાલુકાનાં રાતિધાર ગીર ગામમાં સગાં કાકા એ ભત્રીજાને માથામાં કુહાડીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં તાલાલા પંથકમાં ભારે ચકચાર ફેલાયેલ છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર રવિભાઈ પ્રવિણભાઈ સોલંકી ઉ.વ.25 પોલીસમાં આપેલ ફરિયાદ પ્રમાણે રાતિધાર ગીર ગામે મહાકાળી મંદિર પાછળ રહેતા ધિરૂભાઈ મકનભાઈ સોલંકી ઉ.વ.72 નાં બે પુત્રો દિપકભાઈ તથા મુન્નાભાઈને બે-ત્રણ મહિના પહેલાં મૃતક પ્રવિણભાઈ નાં ભાઈ રાજુભાઈ સાથે માથાકુટ થઇ હતી.આ માથાકૂટ માં પ્રવિણભાઈ બચુભાઈ સોલંકી ઉ.વ.50 વચ્ચે પડયા હતાં.સગા કાકા ધીરૂભાઈ એ માથાકુટ માં વચ્ચે પડવાનો ખાર રાખી વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ઘરની બહાર ફળીયામાં સુતેલા ભત્રીજા પ્રવિણભાઈ ને ઉઠાડી બબાલ કરી માથાના ભાગે એક કુહાડીનો ઘા મારી પ્રવિણભાઈ નું માથું ફાડી નાખ્યું હતું.હવે પછી મારા દિકરાઓ સાથે માથાકુટ કરશો તો તમારા પણ આવાં જ હાલ થશે તેવી પરિવારજનોને ધમકી આપી આરોપી નાસી ગયો હતો.પ્રવિણભાઈ લોહીલુહાણ હાલતમાં પડ્યા હોય પરિવારજનોએ તુરંત 108 માં તાલાલા સરકારી હોસ્પિટલે લાવેલ પરંતુ માથામાં ગંભીર ઈજા હોય વધુ સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા ત્યાં ફરજ પરના તબીબે પ્રવિણભાઈ ને મૃત જાહેર કર્યા હતા.આ બનાવની જાણ તાલાલા પોલીસને થતાં બનાવનાં સ્થળે દોડી ગઈ હતી.પોલીસે બનાવનાં સ્થળે થી થોડે દુર થી આરોપીની ધરપકડ કરી હતી.તાલાલા ઈનચાર્જ પી.આઈ.જયેશકુમાર મોરીએ બી.એન.એસ.કલમ 103(1), 352, 351(2) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.સગાકાકા એ ભત્રીજા ની કુહાડીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવથી તાલાલા પંથકમાં ભારે ચકચાર ફેલાયેલ છે. પોલીસે ગણત્રીની કલાકમાં કાકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.