રાણપુર ગામનો પરિવાર ગણેશ વિસર્જન કરવા આવતા સર્જાઇ કરૂણાંતિકા : પરિવારમાં ગમગીની
કુવાડવા નજીક આવેલા રાણપુર ગામે રહેતો પરિવાર કુવાડવા-વાંકાનેર રોડ પર ખોડીયાર મંદીર પાસે આવેલ તળાવમાં ગણેશ વિસર્જન કરવા માટે આવ્યો હતો. તે દરમિયાન પાંચ લોકો ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેમાં પિતા-પુત્ર સહિત 3 ના મોત નિપજયા હતા. જયારે બે લોકોનો આબાદ બચાવ થયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવા નજીક આવેલા રાણપુર ગામે રહેતો પરિવાર ગણેશ વિસર્જન માટે કુવાડવા-વાંકાનેર રોડ પર ખોડીયાર મંદીર પાસે આવેલા તળાવ ખાતે ગયો હતો. તે દરમિયાન પાંચ લોકો આશરે ર0 થી રર ફુટ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેમાં બે લોકોનો આબાદ બચાવ થયો હતો. જયારે ઘટના અંગે જાણ થતા પોલીસ, 108 અને ફાયર બ્રિગેડના ફાયરમેન શાહબાઝખાન યુસુફખાન, દિલીપભાઇ ગાંગાડીયા, ફાયર ઓફીસર પરેશભાઇ રાઠોડ, ચેતનભાઇ છોટીયા, ધનરાજભાઇ મેતાલીયા, મનોજભાઇ ડાભી અને ડ્રાઇવર મહિપાલસિંહ રાણા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડના આ સ્ટાફે માત્ર 10 થી 1ર મીનીટમાં રેસ્કયુ કરી ધીરૂભાઇ ભલાભાઇ ચૌહાણ (ઉ.વ.પ0) તેના પુત્ર નયન ધીરૂભાઇ ચૌહાણ (ઉ.વ.ર3) અને નરેન્દ્ર મગનભાઇ ચૌહાણ (ઉ.વ.30) ના મૃતદેહને બહાર કાઢયા હતા. પિતા-પુત્ર સહિત ત્રણના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.