કેશોદમાં પ્રેમ પ્રકરણે મોટો ડખ્ખો થયો મારામારી મામલે બીજી ફરિયાદ નોંધાઈ, ચાર સામે ગુનો

કેશોદ શહેરમાં બાબા પાનની ગલીમાં પ્રેમ પ્રકરણને લઈને થયેલી મારામારીની ઘટનામાં પોલીસે સામા પક્ષની ફરિયાદ પર પણ ગુનો નોંધ્યો છે. અગાઉ નીલેશ માલમ દ્વારા નોંધાવેલી ફરિયાદ બાદ હવે સામા પક્ષે દીપકભાઈ ભીખાભાઈ આત્રોલીયા, (ઉ.વ. 31, રહે. કેશોદ) એ કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. પોલીસે આ મામલે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દીપકભાઈ ભીખાભાઈ આત્રોલીયા એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ બનાવની પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત છે. ફરિયાદીની બહેન અસ્મીતાબેનને પીખોર ગામના રાજુભાઈ જમોડ સાથે પ્રેમ સંબંધ છે અને તે બાબતે નીલેશભાઈ હરદાસભાઈ માલમ સાથે અણબનાવ ચાલતો હતો.
મારામારીની ઘટના બની ત્યારે રાજુભાઈ જમોડ અને રોહીત, ભૂપેશ જમોડ તથા ફરિયાદી દીપકભાઈ આંત્રોલીયા કેશોદ બાબા પાન નામની દુકાન વાળી ગલીમાં ઉભા હતા ત્યારે સામે પક્ષે નીલેશભાઈ હરદાસભાઈ માલમ તથા તેના દીકરા ધવલ નીલેશભાઈ માલમ તથા મહેશ કેતનભાઈ માલમ આ ત્રણેય તેમની સ્વીફ્ટ કાર લઈને આવેલ અને ભાવીનભાઈ આજકીયા મોટરસાયકલ લઈને આવેલ બધા આવીને રાજુભાઈ જમોડ સાથે બોલાચાલી કરી, ગાળો બોલવા લાગ્યા હતાં. ત્યારે નીલેશભાઈ પાવડાનો હાથો અને મહેશ લોખંડનો પાઈપ લઈને આવેલ અને નીલેશભાઈ એ બૂધેશભાઈના હાથમાં મારેલ, મહેશભાઈ એ લોખંડનો પાઈપ દીપકભાઈ ને ખભાના ભાગે માર્યો હતો. તથા ધવલભાઈ એ રાજુભાઈ ને માર માર્યો હતો અને ભાવીનભાઈ એ ઢીકાપાટુનો માર માર્યો હતો. જો કે, આ મામલે સમાધાનની વાતચીત ચાલતી હોય દવાખાને સારવાર લીધી ન હોવાનું જણાવવામા આવેલ છે.
દરમિયાન દીપકભાઈ આત્રોલીયાના નિવેદન મુજબ કેશોદ પોલીસ દ્વારા નીલેશભાઈ હરદાસભાઈ માલમ, ધવલ નીલેશભાઈ માલમ, મહેશ કેતનભાઈ માલમ અને ભાવીનભાઈ દેવાભાઈ આજકીયા વિરુદ્ધ ગુનો નોંધી, કેશોદ પોલીસ દ્વારા ચારેય આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ જ ઘટના અંગે અગાઉ નીલેશભાઈ માલમે પણ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, જેથી હવે આ પ્રેમ પ્રકરણ મામલે કેશોદ પોલીસમાં સામસામે બે ઋઈંછ નોંધાઈ છે અને પોલીસે બંને પક્ષની તટસ્થ તપાસ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ