અમરેલી પોલીસ દ્વારા બે આરોપીઓ સામે પાસાની કાર્યવાહી અમરેલી એલસીબીએ પાસા વોરંટની બજવણી કરી એકને કચ્છ-ભુજ અને બીજાને સુરત જેલમાં મોકલ્યા

અમરેલી જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ પાસા હેઠળ અટકાયતની દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્રાજ સમક્ષ મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે દરખાસ્ત મંજૂર કરતાં ઉના તાલુકાના નવા બંદર ગામે ઈદગાહની બાજુમાં રહેતા 56 વર્ષીય ઈસ્માઈલભાઈ અબ્દુલાભાઈ પટેલીયા વિરુદ્ધ પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. અમરેલી એલસીબી ટીમે પાસા વોરંટની બજવણી કરી ઈસ્માઈલભાઈ પટેલીયાની અટકાયત કરી હતી. ત્યાર બાદ તેમને કચ્છ-ભુજ સ્થિત પાલરા સ્પેશ્યલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બીજા બનાવમાં ધારી તાલુકાના શિવડ ગામે રહેતા 28 વર્ષીય ઉદયભાઈ ધીરૂભાઈ વાળા વિરુદ્ધ પણ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્રાજે આ દરખાસ્તને મંજૂરી આપતા અમરેલી એલસીબી ટીમ દ્વારા ઉદયભાઈ વાળાની પાસા હેઠળ અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરવામાં આવી હતી. બાદમાં તેને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં પ્રોહિબિશન સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમો સામે પાસા જેવી કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા પોલીસ તંત્રની કાર્યવાહીથી આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

રિલેટેડ ન્યૂઝ